<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઓડિશામાં ભાજપ સરકારે ગુટખા અને તમાકુના વેચાણ પર ઠોક્યો સંપૂર્ણ પ્રતિબંધ

નિકોટિનયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર પણ રોક: સુપ્રીમ કોર્ટ અને FSSAI ના આદેશોને પગલે મુખ્યમંત્રી મોહન માઝી સરકારનો આકરો નિર્ણય

ભુવનેશ્વર:  ઓડિશાની મોહન માઝી સરકારે રાજ્યને તમાકુમુક્ત બનાવવા માટે સપાટો બોલાવ્યો છે. 21 જાન્યુઆરીના રોજ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચના મુજબ, હવે સમગ્ર રાજ્યમાં ગુટખા, પાન મસાલા અને નિકોટિનયુક્ત તમામ ખાદ્ય પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના ઉત્પાદન, પેકેજિંગ અને પરિવહન પર પણ કડક રોક લગાવાઈ છે. સરકારે વર્ષ 2013 ના જૂના અને નબળા કાયદાને રદ કરીને વધુ કડક જોગવાઈઓ સાથેનો નવો આદેશ અમલી બનાવ્યો છે, જેથી કોઈપણ કાયદાકીય છટકબારીનો લાભ લઈ શકાય નહીં.

આ નિર્ણય પાછળ સ્વાસ્થ્ય સંસ્થાઓના ડરામણા આંકડાઓ જવાબદાર છે. 'ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર'  ના અહેવાલો ટાંકીને સરકારે જણાવ્યું છે કે તમાકુ અને તેના જેવી ચાવવાની પ્રોડક્ટ્સ મોં, ગળા, અન્નનળી અને કિડનીના કેન્સર માટે સીધી જવાબદાર છે. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં વધતી જતી વ્યસનની લતને ડામવા માટે ભાજપ સરકારે આ રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવી છે. હવે જો કોઈ વેપારી કે સંસ્થા આ નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાશે, તો 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006' હેઠળ ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારના આ આદેશથી સમગ્ર ઓડિશામાં ખળભળાટ મચી ગયો છે. ઠેર-ઠેર દરોડા પાડવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ઓડિશા સરકારનું માનવું છે કે માત્ર કાયદાથી નહીં, પણ જનભાગીદારીથી જ 'સ્વસ્થ ઓડિશા' નું સપનું સાકાર થઈ શકે છે. સામાજિક કાર્યકરો અને ડોક્ટરોએ સરકારના આ પગલાને આવકાર્યું છે, જોકે તમાકુના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ પ્રતિબંધ બાદ હવે રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતા વેચાણને અટકાવવું એ વહીવટીતંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

(7:01 PM IST)