<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સાવધાન! ગુલાબી ઠંડી હવે 'કાતિલ' બનશે: શુક્રવારથી ઉત્તર ભારત હિમવર્ષા અને વરસાદની લપેટમાં

હિમાલયમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ચક્રવાતી પવનો સાથે માવઠાની આગાહી: પ્રજાસત્તાક પર્વ પર વરસાદ વિલન બની શકે: દિલ્હી-NCR માં સિઝનનો પ્રથમ વરસાદ પડવાની શક્યતા

નવી દિલ્હી:  દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીથી ઉપર રહેતા અને દિવસના સમયે તાપમાન 26 ડિગ્રી સુધી પહોંચતા લોકોને ઠંડીથી રાહત મળી હતી. જોકે, હવામાનશાસ્ત્રીઓના મતે આ શાંતિ 'તોફાન પહેલાની શાંતિ' જેવી છે. 23 જાન્યુઆરી એટલે કે શુક્રવારથી પહેલો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેની સીધી અસર જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા સ્વરૂપે જોવા મળશે. આ પર્વતીય વિસ્તારોમાંથી ફૂંકાતા બરફીલા પવનો મેદાની વિસ્તારોમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડાવશે અને હાડ થીજવતી ઠંડી પરત લાવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે માત્ર ઠંડી જ નહીં પણ વરસાદ પણ આફત બનીને આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં શુક્રવારે સિઝનનો પ્રથમ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને ગાજવીજ સાથેના વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, 26 થી 28 જાન્યુઆરી દરમિયાન બીજો અને વધુ શક્તિશાળી વિક્ષેપ સક્રિય થશે, જેની અસર પ્રજાસત્તાક દિવસની પરેડ પર પણ પડી શકે છે. લાલ કિલ્લા અને કર્તવ્ય પથ પર આ વર્ષે છત્રીઓ સાથે ઉજવણી કરવી પડે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ હવામાન પલટાના કારણે પ્રદૂષણમાં તો ઘટાડો થશે, પરંતુ સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પડી શકે છે. અચાનક ગરમી બાદ ફરી તીવ્ર ઠંડી અને ભેજવાળા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના પૂર્વી અને પશ્ચિમી ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં ફરી એકવાર ગાઢ ધુમ્મસ અને કાતિલ શીત લહેર (Cold Wave) આખા ઉત્તર ભારતને પોતાની લપેટમાં લેશે, જેનાથી ટ્રેન અને હવાઈ વ્યવહાર પર પણ માઠી અસર થવાની સંભાવના છે.

(7:17 PM IST)