આંધ્રપ્રદેશમાં ખૌફનાક ખેલ: પ્રેમી સાથે મળીને પતિને બિરયાનીમાં ઝેર આપી પતાવી દીધો, લાશ પાસે બેસી પત્ની આખી રાત અશ્લીલ વીડિયો જોતી રહી!
ગુંટુરના ચિલુવુરુ ગામની હૃદયદ્રાવક ઘટના— પત્ની લક્ષ્મી અને પ્રેમી ગોપીએ ઊંઘમાં જ ગળું દબાવી ડુંગળીના વેપારીની કરી હત્યા, કુદરતી મૃત્યુ ગણાવવાનો પ્લાન પોલીસ તપાસમાં નિષ્ફળ

ગુંટુર :ક્રાઈમ ફિલ્મોને પણ પાછળ છોડી દે તેવી એક સનસનાટીભરી ઘટના આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે. એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની નિર્મમ હત્યા કરી નાખી. આટલું જ નહીં, હત્યા કર્યા બાદ પત્નીના ચહેરા પર પસ્તાવાનો કોઈ ભાવ નહોતો, તે આખી રાત પોતાના પતિના મૃતદેહ પાસે બેસીને અશ્લીલ વીડિયો જોતી રહી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પત્ની લક્ષ્મી માધુરીએ તેના પતિ લોકમ શિવ નાગરાજુની હત્યાનું આયોજન ઘણા સમય પહેલા કરી લીધું હતું. નાગરાજુ ડુંગળીનો વ્યવસાય કરતો હતો. ઘટનાની રાત્રે લક્ષ્મીએ ઘરે સ્વાદિષ્ટ બિરયાની બનાવી હતી, જેમાં તેણે ઘેનની દવા ભેળવી દીધી હતી. બિરયાની ખાધા બાદ નાગરાજુ જેવો ગાઢ નિંદ્રામાં સરી પડ્યો, લક્ષ્મીએ તેના પ્રેમી ગોપીને ફોન કરીને ઘરે બોલાવી લીધો હતો.
રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે પ્રેમી ગોપી નાગરાજુના ઘરે પહોંચ્યો હતો. બંનેએ મળીને ઊંઘતા નાગરાજુ પર હુમલો કર્યો. ગોપી નાગરાજુની છાતી પર બેસી ગયો અને તેનું ગળું દબાવવા લાગ્યો, જ્યારે લક્ષ્મીએ ઓશીકા વડે પતિનું મોઢું દબાવી દીધું હતું. ગૂંગળામણના કારણે નાગરાજુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ગોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ લક્ષ્મી લાશ પાસે જ રોકાઈ હતી.
પોલીસને સૌથી વધુ ચોંકાવનારી હકીકત એ જાણવા મળી કે પતિના મોત બાદ લક્ષ્મીએ બૂમાબૂમ કરવાને બદલે કે કોઈને જાણ કરવાને બદલે આખી રાત લાશ પાસે બેસીને મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોયા હતા. સવારે ૪ વાગ્યે તેણે પાડોશીઓને જગાડીને ડ્રામા શરૂ કર્યો કે તેના પતિને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું નિધન થયું છે.
પાડોશીઓને લક્ષ્મીના લગ્નેત્તર સંબંધો વિશે પહેલેથી જ શંકા હતી, તેથી તેઓએ પોલીસને જાણ કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે નાગરાજુનું મોત કુદરતી નથી, પરંતુ ગળું દબાવવાના કારણે થયું છે. તેની છાતીના હાડકામાં પણ ફ્રેક્ચર જોવા મળ્યા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા લક્ષ્મી ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે લક્ષ્મીની ધરપકડ કરી છે અને ફરાર પ્રેમી ગોપીની શોધખોળ હાથ ધરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
