હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરવિંદ કેજરીવાલની મોટી જીત: ED સમન્સના અવમાનના કેસમાં કોર્ટે કર્યા નિર્દોષ જાહેર, તપાસ એજન્સીને લાગ્યો મોટો ઝટકો!
રાઉસ એવન્યુ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો— એક્સાઈઝ પોલિસી કેસમાં સમન્સ પર હાજર ન થવા બદલ થયેલી ફરિયાદને જજ પારસ દલાલે ફગાવી, AAP છાવણીમાં ઉત્સાહનો માહોલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે આજે રાહતના મોટા સમાચાર આવ્યા છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા દાખલ કરવામાં આવેલા અવમાનના કેસમાં કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા છે. એજન્સીએ આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડની તપાસ દરમિયાન જારી કરાયેલા સમન્સની અવગણના કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી નથી.
ED એ ફેબ્રુઆરી ૨૦૨૪ માં કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે અરવિંદ કેજરીવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ ૫૦ હેઠળ વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને હાજર થતા નથી. એજન્સીએ અલગ-અલગ તારીખે કુલ પાંચ સમન્સ જારી કર્યા હતા. ED ના મતે, સમન્સનું પાલન ન કરવું એ કાયદાકીય ગુનો છે, જેના આધારે આ અવમાનનાનો કેસ ચલાવવામાં આવ્યો હતો.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પારસ દલાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને આ કેસમાંથી મુક્ત કર્યા છે. આ ચુકાદો કેજરીવાલ માટે રાજકીય રીતે પણ ખૂબ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેઓ સતત એવો દાવો કરતા રહ્યા છે કે ED ના સમન્સ ગેરકાનૂની અને રાજકીય રીતે પ્રેરાયેલા હતા. ઉલ્લેખનીય છે કે, મુખ્ય કેસમાં ધરપકડ થયા બાદ સુપ્રીમ કોર્ટે પહેલેથી જ તેમને જામીન આપી દીધા છે.
દિલ્હીની એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ માં કથિત અનિયમિતતાઓને લઈને જુલાઈ ૨૦૨૨ માં એલજી વી.કે. સક્સેનાએ ફરિયાદ કરી હતી, જેના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૨ માં ED એ મની લોન્ડરિંગના પાસા પર તપાસ શરૂ કરી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ નિર્દોષ છુટકારા બાદ અરવિંદ કેજરીવાલે આગામી ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમદાવાદમાં તાજેતરમાં આપેલા નિવેદનમાં તેમણે ૨૦૨૭ માં ગુજરાતમાં પરિવર્તન લાવવાની પણ હાકલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
