હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફૂટબોલ ચાહકો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા: FIFA વર્લ્ડ કપ 2026 માટે લોન્ચ થયો ખાસ ‘FIFA પાસ’, હવે વિઝા ઇન્ટરવ્યૂમાં મળશે ફાસ્ટ-ટ્રેક એન્ટ્રી!
ટિકિટ ધારકોને એપોઇન્ટમેન્ટમાં મળશે પ્રાથમિકતા— અમેરિકાએ ૫૦૦ જેટલા વધારાના અધિકારીઓ તૈનાત કર્યા, મહિનાઓનું વેટિંગ હવે દિવસોમાં પૂરું થશે, જાણો કેવી રીતે અરજી કરવી

વોશિંગ્ટન : જો તમે ૨૦૨૬માં અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાનારા FIFA વર્લ્ડ કપના સાક્ષી બનવા માંગતા હોવ, તો વિઝાના લાંબા વેટિંગ લિસ્ટની ચિંતા હવે છોડી દો. યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ચાહકો માટે ‘FIFA પાસ’ (FIFA Pass) નામની એક વિશેષ વિઝા પહેલ શરૂ કરી છે. આ પ્રોગ્રામનો હેતુ વર્લ્ડ કપની કન્ફર્મ ટિકિટ ધરાવતા મુલાકાતીઓ માટે વિઝા ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે.
શું છે ‘FIFA પાસ’ અને તે કેવી રીતે કામ કરશે?
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦ જાન્યુઆરીથી આ સિસ્ટમ લાઈવ કરવામાં આવી છે. જે ચાહકો પાસે વર્લ્ડ કપની મેચોની કન્ફર્મ ટિકિટ હશે, તેમને FIFA તરફથી ખાસ સૂચનાઓ મળશે. આ પાસ દ્વારા ચાહકો યુએસ દૂતાવાસોમાં ‘પ્રાથમિકતા એપોઇન્ટમેન્ટ’ (Priority Appointment) મેળવી શકશે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં વિઝિટર વિઝા (B1/B2) માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે, ત્યાં આ ‘ફાસ્ટ-ટ્રેક’ સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થશે.
૫૦૦ નવા અધિકારીઓની નિમણૂક
લાખો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે અમેરિકાએ કમર કસી છે. વિશ્વભરના અમેરિકન કોન્સ્યુલેટમાં ૪૦૦ થી ૫૦૦ વધારાના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી વિઝા પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય. ૧૧ જૂન ૨૦૨૬થી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ૪૮ ટીમો ભાગ લેવાની છે અને અમેરિકાના ૧૧ શહેરોમાં હાઈ-વોલ્ટેજ મેચો રમાશે.
યાદ રાખવા જેવી મહત્વની બાબતો:
• મંજૂરીની ગેરંટી નથી: ‘FIFA પાસ’ માત્ર ઇન્ટરવ્યૂ વહેલો અપાવશે, પરંતુ વિઝા આપવો કે નહીં તેનો નિર્ણય ઇન્ટરવ્યૂ અને બેકગ્રાઉન્ડ ચેક પર જ આધારિત રહેશે.
• નિયમોમાં કોઈ ફેરફાર નહીં: સુરક્ષા તપાસ અને પાત્રતાના ધોરણો અન્ય મુસાફરોની જેમ જ સમાન રહેશે.
• ટિકિટ અનિવાર્ય: આ સુવિધાનો લાભ લેવા માટે મેચની સત્તાવાર ટિકિટ હોવી જરૂરી છે.
ઐતિહાસિક ટૂર્નામેન્ટની તૈયારી
૨૦૨૬નો વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો ફૂટબોલ ઉત્સવ બનવા જઈ રહ્યો છે, જેની ફાઈનલ મેટલાઇફ સ્ટેડિયમમાં રમાશે. અમેરિકાની આ પહેલથી ભારત સહિતના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે વિઝાની ઝંઝટ વિના તેઓ પોતાના મનપસંદ ખેલાડીઓને મેદાન પર રમતા જોઈ શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
