હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓસ્કાર 2026: ભારતનું નસીબ ફરી રૂઠ્યું! ઇશાન ખટ્ટરની ‘હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાંથી બહાર, ‘લગાન’ પછીની ૨૪ વર્ષની લાંબી રાહ હજુ યથાવત
૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી નોમિનેશન મેળવવામાં નિષ્ફળ— કાન્સ અને ટોરોન્ટો ફેસ્ટિવલમાં ધૂમ મચાવનાર નીરજ ઘાયવાનની ફિલ્મ અંતિમ લિસ્ટમાં સ્થાન ન બનાવી શકી, જાણો કયા દેશોની ફિલ્મો વચ્ચે જામશે જંગ

મુંબઈ: ભારતીય ફિલ્મ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઓસ્કાર ૨૦૨૬ના નામાંકનોની આજે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ભારત માટે આ સમાચાર નિરાશાજનક રહ્યા છે. દેશની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ (Homebound) શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની શ્રેણીમાં ટોપ-૫ માં સ્થાન મેળવી શકી નથી. વર્ષ ૨૦૦૨ માં આમિર ખાનની ‘લગાન’ બાદ એક પણ ભારતીય ફિલ્મ આ કેટેગરીમાં ફાઈનલ નોમિનેશન સુધી પહોંચી શકી નથી, અને આ વર્ષે પણ ભારતની એ ૨૪ વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો નથી.
શું હતી ‘હોમબાઉન્ડ’ની વાર્તા?
નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત અને કરણ જોહર તથા અદાર પૂનાવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ કોવિડ-૧૯ લોકડાઉનની હૃદયદ્રાવક પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવાએ બે એવા મિત્રોની ભૂમિકા ભજવી હતી જેઓ દેશવ્યાપી બંધ દરમિયાન પોતાની આજીવિકા ગુમાવીને ઘરે પરત ફરવા માટે સંઘર્ષ કરે છે. સામાજિક અસમાનતા અને મજૂરોની લાચારીને દર્શાવતી આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ પ્રશંસા મેળવી હતી, છતાં એકેડેમીના સભ્યોના દિલ જીતવામાં તે થોડી પાછળ રહી ગઈ.
વિશ્વની કઈ ફિલ્મો વચ્ચે થશે મુકાબલો?
૨૨ જાન્યુઆરીએ હોલીવુડમાં જાહેર થયેલા નામાંકનો મુજબ, આ વખતે બ્રાઝિલની ‘ધ સિક્રેટ એજન્ટ’, ફ્રાન્સની ‘ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ’, નોર્વેની ‘સેન્ટિમેન્ટલ વેલ્યુ’, સ્પેનની ‘સિરાટ’ અને ટ્યુનિશિયાની ‘ધ વોઇસ ઓફ હિંદ રજબ’ વચ્ચે ઓસ્કારની ટ્રોફી માટે ખરાખરીનો જંગ જામશે. આ એવોર્ડ સમારોહ ૧૫ માર્ચના રોજ યોજાનાર છે.
વૈશ્વિક મંચ પર મળી હતી વાહવાહી
નોમિનેશન ભલે ન મળ્યું હોય, પણ ‘હોમબાઉન્ડ’ માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે તેણે ‘કાન્સ ૨૦૨૫’ અને ‘ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ (TIFF) માં ભારે લોકપ્રિયતા મેળવી હતી. TIFF માં આ ફિલ્મ ઓડિયન્સ ચોઇસ એવોર્ડમાં બીજા ક્રમે રહી હતી. પત્રકાર બશરત પીરના લેખ પર આધારિત આ ફિલ્મ ભારતીય વાસ્તવિકતાનો અરીસો માનવામાં આવતી હતી.
ભારત માટે ભલે આ વર્ષે ઓસ્કારનું સપનું અધૂરું રહ્યું હોય, પરંતુ ‘હોમબાઉન્ડ’ જેવી ફિલ્મોએ સાબિત કર્યું છે કે ભારતીય સિનેમા હવે ગ્લોબલ કન્ટેન્ટ સાથે વિશ્વના દરવાજે ટકોરા મારી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
