<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

હવાઈ મુસાફરીમાં હવે પાવર બેંક પર ‘બ્રેક’: લુફ્થાન્સા એરલાઇન્સે ફ્લાઇટમાં ચાર્જિંગ અને ઉપયોગ પર મૂક્યો સખત પ્રતિબંધ, જાણો નવા નિયમો!

લિથિયમ-આયન બેટરીથી આગ લાગવાના જોખમને ટાળવા એરલાઇન્સનો મોટો નિર્ણય— ૧૫ જાન્યુઆરીથી નવા કાયદા લાગુ, મુસાફરો હવે ઓવરહેડ બિનમાં પણ નહીં રાખી શકે પાવર બેંક, માત્ર બે જ ઉપકરણ લઈ જવાની મળશે છૂટ

ફ્રેન્કફર્ટ : જો તમે આગામી દિવસોમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ અને લુફ્થાન્સા (Lufthansa) ગ્રુપની એરલાઇન્સમાં ટિકિટ બુક કરાવી હોય, તો તમારા માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. લુફ્થાન્સા ગ્રુપ એરલાઇન્સે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટમાં પોર્ટેબલ પાવર બેંકના ઉપયોગ અને તેના ચાર્જિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નવા નિયમો ૧૫ જાન્યુઆરીથી અમલમાં આવી ચૂક્યા છે.
શા માટે લેવાયો આ કડક નિર્ણય?
એરલાઇન્સના જણાવ્યા અનુસાર, પાવર બેંકમાં રહેલી લિથિયમ-આયન બેટરી જો ખામીયુક્ત હોય તો તેમાં અચાનક આગ લાગવાનું જોખમ રહેલું છે. વિમાનમાં હજારો ફૂટની ઊંચાઈએ આવી ઘટના મોટી દુર્ઘટના નોતરી શકે છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થાઓ (IATA અને ICAO) ની માર્ગદર્શિકાને અનુસરીને, લુફ્થાન્સા અને તેની સાથી એરલાઇન્સ જેમ કે SWISS એ આ સુરક્ષાત્મક પગલું ભર્યું છે.
મુસાફરોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે?
નવી નીતિ મુજબ, હવે મુસાફરો પોતાની સાથે ફ્લાઇટમાં નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડશે:
•    સીમિત સંખ્યા: મુસાફરો હેન્ડ બેગેજમાં વધુમાં વધુ ૨ પાવર બેંક જ લઈ જઈ શકશે.
•    ક્ષમતાની મર્યાદા: દરેક પાવર બેંક ૧૦૦ વોટ-કલાક (100Wh) થી ઓછી ક્ષમતાની હોવી જોઈએ. જો ક્ષમતા ૧૦૦ થી ૧૬૦Wh વચ્ચે હોય, તો એરલાઇન્સની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે.
•    સંગ્રહના નિયમો: હવે પાવર બેંકને ઉપરના સામાન રાખવાના ખાના (Overhead Bin) માં મૂકી શકાશે નહીં. તેને પોતાની પાસે, સીટના ખિસ્સામાં અથવા સીટની નીચે રાખેલી બેગમાં જ રાખવી પડશે.
•    ચાર્જિંગ પર રોક: ફ્લાઇટ દરમિયાન પાવર બેંક દ્વારા ફોન ચાર્જ કરવો અથવા પાવર બેંકને પોતે ચાર્જ કરવી, બંને પર પ્રતિબંધ છે.
અન્ય એરલાઇન્સ પણ લાલ આંખ કરી રહી છે
માત્ર લુફ્થાન્સા જ નહીં, પણ વર્જિન ઓસ્ટ્રેલિયા, ક્વાન્ટાસ અને જેટસ્ટાર જેવી એરલાઇન્સે પણ ડિસેમ્બરથી આવા જ નિયમો લાગુ કર્યા છે. ચેક-ઇન સામાનમાં પાવર બેંક અને ઇ-સિગારેટ પર પહેલેથી જ પ્રતિબંધ છે, જે હવે વધુ કડક બનાવવામાં આવ્યો છે. જોકે, જીવનરક્ષક તબીબી ઉપકરણો માટે જરૂરી પાવર બેંકના ઉપયોગમાં ચોક્કસ શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે.
મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે આ નવા નિયમોનું પાલન કરે.

(8:21 PM IST)