<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

જાહેર સભાઓમાં ભીડ પર લગામ કોણ કસશે? સુપ્રીમ કોર્ટે ભાગદોડ રોકવા માટેની ગાઈડલાઈન્સ જાહેર કરવાનો કર્યો ઇનકાર!

“ન્યાયિક હસ્તક્ષેપનો અવકાશ મર્યાદિત”— ચીફ જસ્ટિસની બેન્ચે અરજદારને ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ પાસે જવા નિર્દેશ આપ્યો, મેદાનની ક્ષમતા અને કાયદો-વ્યવસ્થા અંગે કોર્ટે ઉઠાવ્યા વેધક સવાલ

નવી દિલ્હી: ધાર્મિક ઉત્સવો, રાજકીય રેલીઓ અને શોભાયાત્રાઓમાં થતી ભીડને કારણે સર્જાતી ભાગદોડની ઘટનાઓ રોકવા માટે સુપ્રીમ કોર્ટે કોઈ ચોક્કસ ‘સર્વગ્રાહી દિશાનિર્દેશો’ (Guidelines) જારી કરવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે એક મહત્વની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે ભીડ વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થા એ વહીવટી તંત્રના વિષયો છે, જેમાં ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘણો ઓછો હોવો જોઈએ.

અદાલતે કેમ નકારી અરજી?

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચી તેમજ વિપુલ એમ. પંચોલીની બેન્ચે અવલોકન કર્યું કે, કોઈ ચોક્કસ સ્થળ પર કેટલા લોકો આવશે તેની મર્યાદા કોર્ટ નક્કી ન કરી શકે. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જો કોઈ મેદાનની ક્ષમતા ૧૦,૦૦૦ લોકોની હોય અને ત્યાં ૫૦,૦૦૦ લોકો ઉમટી પડે, તો તે સ્થિતિમાં કોર્ટ શું કરી શકે?” અદાલતે ઉમેર્યું કે ભીડને નિયંત્રિત કરવી અને જાહેર જીવન ખોરવાય નહીં તે જોવાની જવાબદારી જે-તે સત્તાધિકારીઓની છે.

અરજદારની વ્યથા અને માંગણી

ભૂતપૂર્વ ધારાસભ્ય અને પરિવહન સમિતિના પૂર્વ અધ્યક્ષ તુમ્બલમ ગુટી વેંકટેશે આ જનહિત અરજી (PIL) દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે અનિયંત્રિત રેલીઓ અને રોડ શોને કારણે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, દર્દીઓ સારવારથી વંચિત રહે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકતા નથી. તેમણે માંગ કરી હતી કે સમગ્ર દેશમાં તમિલનાડુ જેવા રાજ્યોની જેમ રાજકીય રેલીઓ માટે લઘુત્તમ માપદંડ (SOP) નક્કી કરવામાં આવે.

ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય લેશે નિર્ણય

સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવાની મંજૂરી આપી છે. કોર્ટે માન્યું કે આ સંસ્થાઓ જમીની વાસ્તવિકતા અને સુરક્ષાના માપદંડોને આધારે વધુ સારા નિયમો બનાવી શકે છે. આ ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનોએ પોતાની રેલીઓનું આયોજન કરતી વખતે સ્થાનિક વહીવટી તંત્રના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે.

(9:03 PM IST)