<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ટ્રમ્પનો 'ઓપરેશન ક્યુબા': વેનેઝુએલા બાદ હવે પાડોશી દેશને પતાવવાનો માસ્ટર પ્લાન લીક: માર્કો રુબિયોની ખતરનાક ચાલ!

સત્તા પલટાવવાનું નવું હથિયાર: શસ્ત્રો કે સૈનિકો નહીં પણ 'દેશદ્રોહીઓને ગાજર' આપી ક્યુબાના 70 વર્ષ જૂના સામ્યવાદી કિલ્લાને તોડવાની ફોર્મ્યુલા તૈયાર

વોશિંગ્ટન :  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વિશ્વના નકશા પર પોતાની મનમાની ચલાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. વેનેઝુએલામાં નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ હવે ટ્રમ્પની નજર ક્યુબા પર ટકેલી છે. 'અમેરિકા ફર્સ્ટ'ની આડમાં હવે 'ક્યુબા નેક્સ્ટ'નું મિશન શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ટ્રમ્પ કોઈ સીધું સૈન્ય આક્રમણ કરવાના બદલે દેશની અંદર જ ફૂટ પડાવવાની રણનીતિ અપનાવી રહ્યા છે. ક્યુબન મૂળના અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ માટે એક એવો બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે જેમાં સ્થાનિક અધિકારીઓને લાલચ આપીને પોતાના જ દેશ વિરુદ્ધ બળવો કરવા માટે ઉશ્કેરવામાં આવશે.

આ ગુપ્ત યોજના પાછળની ગણતરી અત્યંત ચોંકાવનારી છે. ક્યુબા જે અત્યાર સુધી વેનેઝુએલાના તેલ અને આર્થિક મદદ પર ટકી રહ્યું હતું, તે હવે વેનેઝુએલા અમેરિકાના કબજામાં આવતા એકલું પડી ગયું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ક્યુબાની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે પાયમાલ કરીને લોકોને ભૂખમરાની કક્ષાએ લાવી દેવા માંગે છે જેથી જનતા રસ્તા પર ઉતરે. આ દરમિયાન, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ક્યુબા (PCC) અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓને અમેરિકામાં સુરક્ષિત આશ્રય અને નવી સરકારમાં મોટા હોદ્દાઓનું 'ગાજર' (લાલચ) બતાવવામાં આવી રહ્યું છે. રુબિયોની આ યોજના મુજબ, અંદરથી થતો આ 'સફેદ બળવો' સત્તાના પાયા હચમચાવી દેશે.

જો આ મિશન સફળ રહેશે, તો 2026 ના અંત સુધીમાં ક્યુબામાં અમેરિકા સમર્થિત નવી સરકાર જોવા મળી શકે છે. બળવા પછી તરત જ 'માનવતાવાદી સહાય' ના નામે અમેરિકન એજન્સીઓ ક્યુબાના ઉર્જા અને સંસાધનો પર કબજો જમાવશે. ખાનગી રોકાણના નામે ક્યુબાના બજારો અમેરિકન કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. આ ઐતિહાસિક સત્તા પરિવર્તન જો સફળ થશે, તો કેરેબિયન દેશોમાં અમેરિકાનો પ્રભાવ અભૂતપૂર્વ રીતે વધી જશે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પના આ 'રાજકીય જુગાર'ની આકરી ટીકા પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે તે લોકશાહીના નામે અન્ય દેશોની સાર્વભૌમત્વ છીનવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

(10:46 PM IST)