<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

દીકરાને પગલે પિતાને પણ હાર્ટ-અટેક- બન્નેની અંતિમયાત્રા એકસાથે

વલ્‍લભીપુર ગામના વતની ગુજરાતી બોરીચા પરિવારને માથે આભ તૂટી પડયું : મદદે કોઈ ન આવ્‍યું, બન્નેએ ઘરમાં જ દમ તોડી દીધો

મુંબઈ,તા.૨૩: પરેલમાં એક અત્‍યંત કરુણ અને આઘાતજનક ઘટના બની હતી. મૂળ ભાવનગરના વલ્‍લભીપુર ગામના વતની અને હાલ પરેલમાં સ્‍થાયી થયેલા બોરીચા પરિવાર પર રાતે જાણે આભ ફાટ્‍યું હતું. ગણતરીની મિનિટોમાં જ ૭૨ વર્ષના પિતા વસંત બોરીચા અને તેમના ૪૨ વર્ષના પુત્ર ઉમેશનું હાર્ટ-અટેકથી મૃત્‍યુ થતાં સમગ્ર વિસ્‍તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરેલ વિલેજ માર્કેટ બિલ્‍ડિંગમાં રહેતા ઉમેશને બુધવારે રાતે અચાનક છાતીમાં દુખાવો ઊપડ્‍યો અને તે ઢળી પડ્‍યો હતો. પુત્રની હાલત જોઈને પિતા તેની મદદે દોડી ગયા, પરંતુ પુત્રને બચાવવાની મથામણમાં પિતા વસંતભાઈને પણ હાર્ટ-અટેક આવી ગયો અને તેઓ પણ ત્‍યાં જ ઢળી પડ્‍યા હતા.

સાંજે બન્નેની અંતિમયાત્રા ઘરમાંથી એકસાથે નીકળતાં આસપાસના વિસ્‍તારમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. આ દુર્ઘટના વખતે પરિવારની એક મહિલાની લાચારી અને આસપાસના લોકોની ઉદાસીનતાએ ઘટનાને વધુ કરુણ બનાવી દીધી હતી.

વસંતભાઈનાં બહેન કાંતા બોરીચાએ ‘હતું કે ‘બુધવારે રાતે સાડાદસ વાગ્‍યે ઉમેશ બાથરૂમમાં હતો ત્‍યારે તેને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્‍યો હતો. દુખાવો થઈ રહ્યો હોવાથી તેણે બાથરૂમમાંથી બૂમાબૂમ કરી મૂકી હતી. એ વખતે મારો મોટો ભાઈ બાથરૂમમાં દોડ્‍યો હતો, પરંતુ ઉમેશ જમીન પર ઢળી પડ્‍યો હોવાથી વસંતભાઈએ તેને બેઠો કરવાનો અને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન દીકરાની હાલત જોઈને ભારે આઘાતમાં તેઓ પણ ત્‍યાં જ ઢળી પડ્‍યા હતા. એ વખતે મારાં હંસાભાભી ઘરે એકલાં જ હતાં

પિતા-પુત્ર બન્નેને ઢળી પડેલા જોઈને ગભરાઈ ગયેલાં હંસાભાભીએ બહાર દોડી જઈને મદદ માટે આસપાસના લોકોને વિનંતી કરી હતી, પરંતુ કમનસીબે કોઈ આગળ આવ્‍યું નહોતું. અંતે તેમણે ફોન કરીને અમારા સંબંધીને બોલાવ્‍યા હતા. એ પછી તેઓ પિતા-પુત્રને KEM હોસ્‍પિટલ લઈ ગયા હતા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરોએ બન્નેને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

(10:06 AM IST)