યુવતીના ઘરમાં ઘૂસીને પહેલા હત્યા કરી પછી મૃતદેહ પંખે લટકાવ્યો
એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો પાગલ પાડોશી યુવક

નાગપુર,તા.૨૩: નાગપુરમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં ૨૩ વર્ષની યુવતી પ્રાચી ખાપેકરની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસની ગુથ્થી પોલીસે સફળતાપૂર્વક સુલઝાવી દીધી છે. ૨૩ વર્ષીય પ્રાચીએ આપઘાત કર્યો નહોતો, તેની એક તરફી પ્રેમમાં પાગલ પાડોશીએ હત્યા કરી નાખી હતી. તેણે પ્રાચીના ઘરમાં ઘુસીને ગળુ દબાવીને તેની હત્યા કરી, પછી તેના મૃતદેહને પંખા સાથે લટકાવીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
નાગપુરના ગોધની વિસ્તારમાં કલેક્ટર કોલોનીમાં રહેતી પ્રાચી હેમરાજ ખાપેકર (ઉ.વ ૨૩) બી.એ.ની વિદ્યાર્થિની હતી. તે શેર ટ્રેડિગની ટ્રેનિંગ પણ લઈ રહી હતી. ૨૧ જાન્યુઆરીએ બપોરે તે ઘરના બેડરૂમમાં લટકેલી હાલતમાં મળી આવી હતી. પહેલાં બધાને લાગ્યું કે આ આત્મહત્યા છે. પરિવારના સભ્યો પણ આઘાતમાં હતા.
શરૂઆતમાં પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR) તરીકે કેસ નોંધ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં જ સમજાયું કે આ આત્મહત્યા નહીં, પણ નિર્દય હત્યા છે. પ્રાચીના માથામાં ગંભીર ઈજા (હેડ ઈન્જરી) હતી. ગળા પર નિશાન અને શરીર પર અન્ય નિશાન પણ મળ્યા હતા. એટલે સ્પષ્ટ થયું કે કોઈએ તેનું ગળું દબાવ્યું, માથું દિવાલ કે ફલોર પર પટક્યું અને પછી તેના મૃતદેહને લટકાવી દીધો, જેથી આત્મહત્યા જેવું લાગે.
પોલીસની તપાસમાં ખુલાસો થયો કે પ્રાચીની હત્યા તેના પડોશીએ કરી હતી. ૩૮ વર્ષીય શેખર અજાબરાવ ઢોરે (શેખર ઢોરે) નામના વ્યક્તિએ પ્રાચીની હત્યા કરી હતી. તે પ્રાચીને પ્રેમ કરતો હતો. તેણે પ્રાચીને પ્રપોઝ કર્યું હતું, પણ પ્રાચીએ તેને ના પાડી દીધી હતી. તેથી તેણે આવું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું.
જ્યારે પ્રાચીના માતા-પિતા અને ભાઈ કામે ગયા હતા અને તે ઘરમાં એકલી હતી, ત્યારે શેખર તેના ઘરમાં ઘૂસી ગયો હતો. ગુસ્સામાં આવીને તેણે પહેલાં પ્રાચીનું ગળું દબાવ્યું હતું, પછી તેનું માથું જોરથી દિવાલ કે જમીન પર પટક્યું હતું. હત્યા પછી તેણે મૃતદેહને લટકાવી દીધો હતો, જેથી લોકોને આત્મહત્યા લાગે.
પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તપાસમાં શેખર પર શંકા ગઈ હતી અને પુરાવાઓ મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. હાલ પોલીસે તેને જેલના સળીયાની પાછળ ધકેલી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
