હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલીયન માર્કેટમાં ફરી ભડકોઃ ચાંદીમાં ૨૧,૦૦૦ અને સોનામાં પ૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદીના ભાવ વધીને ૩,૩૧,૦૦૦ અને સોનાના (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૧,૦૦૦ રૂ. થયા બાદ બપોરે ફરી ભાવ ઘટયા : અમેરીકા અને ઇરાનના યુધ્ધના ભણકારા વચ્ચે ભાવો સળગ્યા : બપોરે ર વાગ્યે સોનાના ભાવ ર૦૦૦ રૂ. ઘટીને ૧,પ૯,૦૦૦ અને ચાંદીના ભાવ ૬૦૦૦ રૂ. ઘટીને ૩,રપ,૦૦૦ રૂ. થયા : ભાવમાં ભારે અફડાતફડી

રાજકોટ, તા., ર૩: ચાલુ સપ્તાહમાં સતત ૩ દિ' તેજીના તરખાટ બાદ ગઇકાલે બુલીયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં ગાબડા પડયા બાદ આજે ફરી ભાવમાં ભડકો થયો હતો અને ચાંદીમાં ૨૧,૦૦૦ તથા સોનામા ંપ૦૦૦ રૂા. નો જબ્બર ઉછાળો થયો હતો. અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના કારણે ભાવો સળગ્યા છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૧,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૩,૧૦,૦૦૦ રૂા. થયા હતા તે ક્રમશઃ ભાવમાં સુધારો થયો હતો. મોડી રાત સુધીમાં જોતજોતામાં ચાંદીના ભાવ ફરી વધીને ૩,૩૧,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે એક તબક્કે ચાંદીના ભાવ ઘટીને ૩,૦પ,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બાદમાં બપોરથી શરૂ થયેલ ભાવવધારો મોડી રાત સુધી ચાલુ રહયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ભાવો વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનાના ભાવમાં પ૦૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ઘટીને ૧,પ૬,૦૦૦ રૂા. થઇ ગયા હતા. તે ક્રમશઃ વધીને ફરી મોડી રાત્રે ૧,૬૧,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે પ૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૧૦,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
બપોરે ર વાગ્યે સોનામાં ર૦૦૦ રૂા. ઘટતા ભાવ ૧,૬૧,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,પ૯,૦૦૦ અને ચાંદીમાં ૬,૦૦૦ રૂા. ઘટતા ભાવ ૩,૩૧,૦૦૦ રૂા. તે ઘટીને ૩,રપ,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોના અને ચાંદીના ભાવમાં બંને તરફી ભારે અફડાતફડી થઇ રહી છે.
અમેરીકા દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે નરમ વલણ અપનાવ્યા બાદ ઇરાન સાથે યુધ્ધના ભણકારાના કારણે સોના-ચાંદીના ભાવો ફરી સળગી રહયાનું ં ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
