<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રાહુલ ગાંધીથી ‘‘નારાજ'' થરૂરનો ફરી એકવાર કોંગ્રેસનો ઠેંગોઃ દિલ્‍હી બેઠકથી પોતાને દૂર રાખ્‍યા

થરૂરનું વલણ કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્‍કેલીઓ વધારશે

નવી દિલ્‍હી,તા.૨૩: કેરળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે જ્‍યારે કમર કસી છે, ત્‍યારે પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંના એક એવા શશિ થરૂરે દિલ્‍હીમાં આયોજિત રણનીતિ બેઠકથી દુર રહીને સૌને ચોંકાવી દીધા છે. સત્તાવાર રીતે તેમના કાર્યાલયે જણાવ્‍યું છે કે તેઓ ‘કેરળ સાહિત્‍ય મહોત્‍સવ'માં વ્‍યસ્‍ત છે, પરંતુ અંદરના સૂત્રો માને છે કે આ માત્ર એક બહાનું છે. અસલ વિવાદ રાહુલ ગાંધીની તાજેતરની કોચી મુલાકાત દરમિયાન શરૂ થયો હતો, જ્‍યાં થરૂરને યોગ્‍ય પ્રોટોકોલ અને સન્‍માન ન મળ્‍યું હોવાનો ગણગણાટ છે. ચાર વખત સાંસદ રહી ચૂકેલા થરૂર જેવા વરિષ્ઠ નેતાને અવગણવામાં આવતા તેઓ નારાજ છે અને આ ગેરહાજરી તે નારાજગીનો મૌન સંદેશ હોવાનું મનાય છે.

બીજી તરફ, થરૂરની સોશિયલ મીડિયા ગતિવિધિઓએ કોંગ્રેસની મુશ્‍કેલીમાં વધારો કર્યો છે. ગુરુવારે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીર સાથેની એક સેલ્‍ફી શેર કરી હતી. આ ફોટોમાં તેમણે ગંભીરના કામની પ્રશંસા કરતા લખ્‍યું કે, વડાપ્રધાન પછી ભારતનું બીજું સૌથી મુશ્‍કેલ કામ ગૌતમ ગંભીર કરી રહ્યા છે. થરૂરની આ ટિપ્‍પણીએ કોંગ્રેસના નેતાઓમાં અજંપો ફેલાવ્‍યો છે, કારણ કે આડકતરી રીતે તેમણે પીએમ મોદીના પદની ગરિમા અને કાર્યભારનો સ્‍વીકાર કર્યો છે. ભાજપના પ્રવક્‍તા શહજાદ પૂનાવાલાએ આ તકનો લાભ લેતા કહ્યું કે, થરૂરે પોતે મોદીજીના પડકારજનક કાર્યની પ્રશંસા કરી છે, જે કોંગ્રેસની સત્તાવાર લાઇનથી વિપરીત છે.

આંતરિક સૂત્રોનું કહેવું છે કે શશિ થરૂરની 'અર્બન વિઝન' અને રાહુલ ગાંધીની 'ગ્રામીણ કેન્‍દ્રિત રાજનીતિ' વચ્‍ચે પણ લાંબા સમયથી વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો છે. ગત વર્ષે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સન્‍માનમાં યોજાયેલા ડિનરમાં જ્‍યારે રાહુલ ગાંધી અને મલ્‍લિકાર્જુન ખડગેને આમંત્રણ નહોતું, ત્‍યારે થરૂર ત્‍યાં હાજર રહ્યા હતા, જેનાથી પાર્ટી હાઈકમાન્‍ડ નાખુશ હતું. હવે કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા થરૂરનું આ વલણ કોંગ્રેસ માટે ચિતાનો વિષય છે. જો થરૂર જેવા પ્રભાવશાળી નેતા ચૂંટણી પ્રચારથી અળગા રહે અથવા નારાજ રહે, તો તે ભાજપ અને શાસક પક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(3:20 PM IST)