News of Friday, 23rd January 2026
પડદા પર નેતાજી: 'બોસ'ના પરાક્રમ અને ગુમનામીના રહસ્યો જીવંત કરતી શ્રેષ્ઠ ફિલ્મો
પરાક્રમ દિવસ નિમિત્તે જાણો આઝાદ હિંદ ફોજના નાયકની શૌર્યગાથા અને તેમના જીવન પર બનેલી યાદગાર સિરીઝ વિશે

મુંબઈ: ભારત માતાના સાચા સપૂત અને 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા'નો નારો આપી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દેનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે 'પરાક્રમ દિવસ' નિમિત્તે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. નેતાજીનું જીવન માત્ર સંઘર્ષની વાર્તા નથી, પણ હિંમત અને રાષ્ટ્રભક્તિનો એક એવો જ્વાળામુખી છે જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. તેમના રહસ્યમય અંતર્ધાન અને સાહસિક જીવનને બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમાએ અદભૂત રીતે પડદા પર કંડાર્યું છે.
રહસ્ય અને રોમાંચ: ગુમનામી અને બોસ: ડેડ/અલાઇવ
નેતાજીના જીવનનું સૌથી મોટું રહસ્ય ૧૯૪૫ની વિમાન દુર્ઘટના છે. શ્રીજીત મુખર્જીની ફિલ્મ 'ગુમનામી' (2019) આ રહસ્યને વધુ ઘેરી બનાવે છે. પ્રોસેનજીત ચેટર્જીના શાનદાર અભિનયવાળી આ ફિલ્મ મુખર્જી કમિશનની સુનાવણી પર આધારિત છે, જે દર્શાવે છે કે શું નેતાજી ખરેખર 'ગુમનામી બાબા' બનીને ભારત પાછા ફર્યા હતા? આવી જ રીતે, રાજકુમાર રાવ અભિનીત વેબ સિરીઝ 'બોસ: ડેડ/અલાઇવ' રહસ્ય, તપાસ અને ઐતિહાસિક તથ્યોનું એવું મિશ્રણ પીરસે છે કે પ્રેક્ષકો જકડાઈ રહે છે.
ભૂલાયેલા નાયકની મહાગાથા
દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલની ફિલ્મ 'નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફોરગોટન હીરો' નેતાજીના ૧૯૪૧ થી ૧૯૪૫ દરમિયાનના જીવનનો દસ્તાવેજ છે. સચિન ખેડેકરે આ ફિલ્મમાં નેતાજીના પાત્રને જીવંત કર્યું છે. આ ફિલ્મમાં જર્મનીમાં હિટલર સાથેની મુલાકાતથી લઈને આઝાદ હિંદ ફોજની રચના સુધીની રોમાંચક સફર વિગતવાર દર્શાવવામાં આવી છે.
બાળપણથી યુવાની સુધીની સફર
માત્ર ફિલ્મો જ નહીં, પણ ટીવી સિરીઝમાં પણ નેતાજીનો પ્રભાવ જોવા મળે છે. ઝી બાંગ્લાની લોકપ્રિય સિરીઝ 'નેતાજી' તેમના બાળપણ અને કટકમાં વિતાવેલા દિવસો પર પ્રકાશ પાડે છે. આ સિવાય ૧૯૬૬ની ક્લાસિક ફિલ્મ 'સુભાષ ચંદ્ર' અને ૧૯૫૦ની અશોક કુમાર અભિનીત ફિલ્મ 'સમાધિ' સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની ગાથા ગાય છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
