<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

જાપાનમાં રાજકીય ગરમાવો: PM તાકાચીએ સંસદ ભંગ કરી, 8 ફેબ્રુઆરીએ યોજાશે જંગ

૬ દાયકા બાદ પ્રથમવાર સત્રની શરૂઆતમાં જ નીચલું ગૃહ વિસર્જિત; મોંઘવારી અને ટેક્સ નાબૂદી બનશે ચૂંટણીના મુખ્ય હથિયાર

ટોક્યો : જાપાનના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન સના તાકાચીએ શુક્રવારે આશ્ચર્યજનક રીતે પ્રતિનિધિ ગૃહ (નીચલું ગૃહ) ભંગ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય સાથે જ હવે જાપાનમાં આગામી 8 ફેબ્રુઆરીએ ત્વરિત ચૂંટણી (Snap Election) યોજાવાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જાપાનના ઈતિહાસમાં છેલ્લા 60 વર્ષમાં આ પ્રથમ ઘટના છે જ્યારે સંસદના નિયમિત સત્રની શરૂઆતમાં જ ગૃહને વિસર્જિત કરવામાં આવ્યું હોય.
 
કેમ લીધો આ મોટો નિર્ણય?
ગયા વર્ષે ઓક્ટોબરમાં સત્તા સંભાળનાર પીએમ તાકાચીનું માનવું છે કે તેમને હજુ સુધી જનતા પાસેથી તેવો જનાદેશ (Mandate) મળ્યો નથી જે વડાપ્રધાન તરીકે તેમની સ્થિતિને મજબૂત બનાવે. જોકે તેમનું રેટિંગ હાલમાં ઊંચું છે, પરંતુ સંસદમાં બહુમતી સાંકડી હોવાથી કોઈ પણ બિલ પસાર કરવામાં વિપક્ષોનો સામનો કરવો પડે છે. આથી, તેમણે સીધા જનતાની અદાલતમાં જઈને નવો જનાદેશ મેળવવાનું નક્કી કર્યું છે.
મોંઘવારી અને 'ટેક્સ ફ્રી' ફૂડ: મુખ્ય મુદ્દાઓ
આ ચૂંટણીમાં જનતાના ખિસ્સાને સ્પર્શતા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેશે. જાપાનમાં વધતી જતી મોંઘવારીથી સામાન્ય પરિવારો પરેશાન છે. આથી, શાસક પક્ષ LDP અને વિપક્ષી ગઠબંધન બંનેએ ખાદ્ય ચીજો પરનો 'કન્ઝમ્પશન ટેક્સ' (વપરાશ કર) દૂર કરવા અથવા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. વિપક્ષે પીએમ તાકાચી પર આરોપ લગાવ્યો છે કે તેઓ બજેટ પસાર કરવાને બદલે રાજકીય ફાયદા માટે ચૂંટણીઓ યોજી રહ્યા છે.
કોણ છે સના તાકાચી?
સના તાકાચી જાપાનના રાજકારણમાં એક મજબૂત અને અનુભવી નેતા માનવામાં આવે છે. તેઓ દિવંગત વડાપ્રધાન શિન્ઝો આબેના નજીકના ગણાય છે. ૧૯૯૩માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેઓ મંત્રીમંડળમાં અનેક મહત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે. શિંજીરો કોઈઝુમી જેવા દિગ્ગજોને હરાવીને તેઓ જાપાનના શાસક પક્ષના નેતા અને પછી વડાપ્રધાન બન્યા હતા.
ચૂંટણીનો ગણગણાટ: હવે જાપાનના રાજકીય પક્ષો પાસે પ્રચાર માટે ખૂબ જ ઓછો સમય છે. ૪૬૫ બેઠકો ધરાવતી સંસદમાં કોણ વિજયી બનશે, તે ફેબ્રુઆરીમાં નક્કી થશે.

(6:19 PM IST)