<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

બંદૂક છોડી મુખ્યપ્રવાહમાં વાપસી: છત્તીસગઢમાં ૭ મહિલાઓ સહિત ૯ માઓવાદીઓનું હથિયારો સાથે આત્મસમર્પણ

૪૭ લાખનું ઈનામ ધરાવતા નક્સલીઓએ આઈજી અને એસપી સમક્ષ નાખ્યા હથિયાર; INSAS અને SLR જેવી રાઈફલો પણ પોલીસને સોંપી

ધમતારી : છત્તીસગઢના ધમતારી જિલ્લામાં આજે નક્સલવાદના મૂળિયાં હચમચાવતી એક મોટી સફળતા મળી છે. હિંસાનો માર્ગ છોડીને નવ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણની ખાસ વાત એ છે કે શરણાગતિ સ્વીકારનારા નવ સભ્યોમાંથી સાત મહિલા કાર્યકરો છે, જેઓ લાંબા સમયથી નક્સલી પ્રવૃત્તિઓમાં સક્રિય હતી.

 

૪૭ લાખનું ઈનામ અને આધુનિક હથિયારો

આત્મસમર્પણ કરનારા આ માઓવાદીઓ પર સરકાર દ્વારા કુલ ૪૭ લાખ રૂપિયાનું જંગી ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાયપુર રેન્જના આઈજી અમરેશ મિશ્રા અને ધમતારી એસપી સૂરજ સિંહ પરિહાર સમક્ષ તેમણે પોતાના હથિયારો હેઠા મૂક્યા હતા. આ દરમિયાન તેમણે બે INSAS રાઈફલ, બે SLR, એક કાર્બાઇન અને એક દેશી બંદૂક સહિતનો દારૂગોળો પણ પોલીસને સોંપી દીધો હતો.

સીતનદી અને મૈનપુર વિસ્તારમાં હતો આતંક

પોલીસના જણાવ્યા અનુસાર, આ માઓવાદીઓ રાજ્યના સીતનદી, નાગરી, મૈનપુર અને ગોબરા જેવા દુર્ગમ વિસ્તારોમાં સક્રિય હતા. તેઓ અનેક હિંસક ઘટનાઓમાં સંડોવાયેલા હતા અને સુરક્ષા દળો માટે મોટો પડકાર બની રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં અને ખાસ કરીને મહિલા કેડરોનું આત્મસમર્પણ એ નક્સલી સંગઠનો માટે મોટો ફટકો માનવામાં આવે છે.

નવી જિંદગીની શરૂઆત

સરકારની પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ માઓવાદીઓએ મુખ્યપ્રવાહમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આત્મસમર્પણ કરનારા સભ્યોને સરકારી યોજનાઓ મુજબ તમામ મદદ પૂરી પાડવામાં આવશે જેથી તેઓ સન્માનભેર નવી જિંદગી જીવી શકે.

વ્યૂહાત્મક સંદેશ: બંદૂકના જોરે પરિવર્તન લાવવાનું સપનું જોનારાઓ હવે સમજી રહ્યા છે કે હિંસા માત્ર વિનાશ લાવે છે. આ આત્મસમર્પણ અન્ય ભટકેલા યુવાનો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડશે.

 

(7:58 PM IST)