<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પલાશ મુછલે પર ₹40 લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ: સ્મૃતિ મંધાનાના મિત્રએ નોંધાવી ફરિયાદ

ફિલ્મ ફાઇનાન્સરનો દાવો- ‘નઝારિયા’ ફિલ્મના નામે પૈસા લીધા બાદ પલાશે ફોન ઉપાડવાનું બંધ કર્યું; ગાયકે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

મુંબઈ :જાણીતા સંગીતકાર અને ગાયક પલાશ મુછલે ફરી એકવાર વિવાદોના વંટોળમાં ઘેરાયા છે. ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન તૂટ્યા બાદ હવે પલાશ પર સ્મૃતિના જ એક મિત્ર અને ફિલ્મ ફાઇનાન્સર વિજ્ઞાન માનેએ ₹40 લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા મનોરંજન અને રમતજગતમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી વિજ્ઞાન માનેના જણાવ્યા અનુસાર, જ્યારે પલાશ સાંગલીની મુલાકાતે હતા, ત્યારે સ્મૃતિ મંધાનાના પિતાએ તેમની મુલાકાત કરાવી હતી. પલાશે તેમને 'નઝારિયા' નામની ફિલ્મમાં રોકાણ કરવા માટે રાજી કર્યા હતા અને ખાતરી આપી હતી કે ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતા જ તેમને નફા સાથે રકમ પરત મળી જશે. વિજ્ઞાને હપ્તે-હપ્તે કુલ ₹40 લાખ ચૂકવ્યા હતા, જેમાંથી કેટલીક રકમ રોકડમાં અને કેટલીક Google Pay દ્વારા આપવામાં આવી હતી.
 આરોપ છે કે ફિલ્મ ક્યારેય પૂરી થઈ નથી. જ્યારે વિજ્ઞાને પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે શરૂઆતમાં પલાશે આશ્વાસન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને વિજ્ઞાનનો નંબર બ્લોક કરી દીધો હતો. ફરિયાદીએ તમામ વ્યવહારોના પુરાવા પોલીસને સોંપી દીધા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
 પોતાના પર લાગેલા આક્ષેપો સામે પલાશે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, "મારા વિરુદ્ધના આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. આ મારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો એક દુષ્ટ પ્રયાસ છે." પલાશે ઉમેર્યું કે તેમના વકીલ આ મામલે કાયદાકીય તપાસ કરી રહ્યા છે અને તેઓ કોર્ટમાં આનો સખત વિરોધ કરશે.
પલાશ મુછલે હાલમાં જ સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટવાને કારણે ચર્ચામાં હતા. હલ્દી અને મહેંદીની વિધિઓ પૂર્ણ થયા બાદ સ્મૃતિએ લગ્ન રદ કરવાની જાહેરાત કરી હતી, જેમાં પલાશ પર છેતરપિંડીના આક્ષેપો થયા હતા. હવે આ નવા કેસે તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે.

(9:04 PM IST)