<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

મેદાન પર વિકેટ ઝડપનાર યશ દયાલ કાયદાની ગૂગલીમાં ફસાયા: હાઈકોર્ટે આપી જીવનદાન જેવી રાહત!

બળાત્કારના ગંભીર આરોપો વચ્ચે IPL સ્ટાર અને RCBના ફાસ્ટ બોલરને રાજસ્થાન હાઈકોર્ટનું રક્ષણ: ધરપકડ પર વચગાળાનો સ્ટે આપતા જસ્ટિસ ગણેશરામ મીણાએ તપાસમાં સહયોગ આપવા ક્રિકેટરને આકરો આદેશ કર્યો

જયપુર :  ક્રિકેટના મેદાનમાં પોતાની રફ્તારથી બેટ્સમેનોને હંફાવનાર આઈપીએલ સ્ટાર યશ દયાલ અત્યારે અંગત જીવનની સૌથી મુશ્કેલ મેચ રમી રહ્યા છે. જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગંભીર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે શુક્રવારે તેમને મોટી રાહત આપી છે. જસ્ટિસ ગણેશરામ મીણાની સિંગલ બેન્ચે ક્રિકેટરની ધરપકડ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ રાહત માત્ર શરતી છે અને યશ દયાલે તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને તમામ સવાલોના જવાબ આપવા પડશે.

કોર્ટમાં દલીલો દરમિયાન આ કેસના અનેક ચોંકાવનારા પાસાઓ સામે આવ્યા હતા. યશ દયાલના વકીલે દલીલ કરી હતી કે પીડિતા દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર (FIR) ઘટનાના લગભગ બે વર્ષ પછી દાખલ કરવામાં આવી છે, જે શંકા પ્રેરે છે. બચાવ પક્ષે વધુમાં જણાવ્યું કે યશ અને પીડિતા જ્યારે પણ મળ્યા ત્યારે હંમેશા જાહેર સ્થળોએ અથવા ટીમના અન્ય સભ્યોની હાજરીમાં જ મળ્યા હતા, તેઓ ક્યારેય એકાંતમાં મળ્યા નથી. આ ઉપરાંત, પીડિતાએ તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવા અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી નહોતી, જે આ કેસમાં કાયદાકીય વળાંક લાવી શકે છે.

આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે તપાસ અધિકારીને કેસ ડાયરી સાથે હાજર થવા ફરમાન કર્યું હતું. હાલમાં ધરપકડથી બચી ગયેલા યશ દયાલ માટે આગામી સમય કપરો સાબિત થઈ શકે છે, કારણ કે કાનૂની પ્રક્રિયા હજુ લાંબી ચાલવાની છે. આરસીબી (RCB) માટે રમનાર આ ખેલાડીની કારકિર્દી પર આ આરોપોના વાદળો કેવું પરિણામ લાવશે તેના પર સૌની નજર છે. કોર્ટે તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવા અને ક્રિકેટરને તપાસમાં 'શરમ' રાખ્યા વગર સહકાર આપવા તાકીદ કરી છે.

(9:17 PM IST)