<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

આંદામાનની ધરતી પરથી ગુંજ્યો આઝાદીનો નાદ: PM મોદીએ નેતાજીના પરાક્રમને કર્યા પ્રણામ

‘સ્વતંત્ર ભારતનો પહેલો સૂર્યોદય આંદામાનમાં થયો હતો’; ગુલામીના નામો ભૂંસીને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓના નામે ટાપુઓની નવી ઓળખ આપી

નવી દિલ્હી/પોર્ટ બ્લેર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરાક્રમ દિવસ’ નિમિત્તે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આયોજિત વિશેષ કાર્યક્રમને સંબોધતા નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદીના લડવૈયાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, આંદામાનની આ પવિત્ર ભૂમિ સાક્ષી છે કે સ્વતંત્રતાનો વિચાર ક્યારેય મરતો નથી. ૧૯૪૭ પહેલા જ, ૩૦ ડિસેમ્બર ૧૯૪૩ના રોજ અહીં પ્રથમવાર તિરંગો લહેરાવીને સ્વતંત્ર ભારતનો ઉદય થયો હતો.

 

ઇતિહાસના અન્યાયનો અંત: ગુલામીના ચિહ્નો ભૂંસાયા

પ્રધાનમંત્રીએ અગાઉની સરકારો પર પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પછી આ ઐતિહાસિક ટાપુઓને તે સન્માન નહોતું મળ્યું જેનું તે હકદાર હતું. બ્રિટિશ અધિકારીઓના નામથી ઓળખાતા ટાપુઓના નામ હવે બદલી નાખવામાં આવ્યા છે. પોર્ટ બ્લેર હવે ‘શ્રીવિજયપુરમ’ તરીકે ઓળખાય છે, જે નેતાજીની જીતનું પ્રતીક છે. આ ઉપરાંત, ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓના નામે ૨૧ ટાપુઓના નામ રાખીને દેશના અસલી નાયકોને સન્માનિત કરવામાં આવ્યા છે.

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું શક્તિ પ્રદર્શન

નેતાજીના ‘મજબૂત ભારત’ના સપનાને સાકાર કરવાની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત હવે માત્ર શસ્ત્રોની આયાત કરતો દેશ નથી રહ્યો. આજે ભારતની સંરક્ષણ નિકાસ ૨૩,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. બ્રહ્મોસ જેવી મિસાઇલો આજે વિશ્વભરના દેશોમાં ભારતની તાકાતનો પરચો આપી રહી છે. ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હવે ભારત દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

પરાક્રમ દિવસ: રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ

વડાપ્રધાને ઉમેર્યું કે, ૨૩ જાન્યુઆરીથી શરૂ થઈને ૩૦ જાન્યુઆરી (બાપુની પુણ્યતિથિ) સુધી ચાલનારા આ ‘પ્રજાસત્તાક મહોત્સવ’ની નવી પરંપરા દેશમાં દેશભક્તિની ઉર્જા ભરી રહી છે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા અને લાલ કિલ્લા પર બનેલું મ્યુઝિયમ નવી પેઢીને નેતાજીના વિઝન સાથે જોડી રહ્યું છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટે આ પરાક્રમની પ્રેરણા જ અમારું બળ છે.

ઐતિહાસિક પળ: "રાષ્ટ્રગીતના સૂર સાથે લહેરાતો તિરંગો આજે પોકારી રહ્યો છે કે અસંખ્ય ક્રાંતિકારીઓના બલિદાન લેખે લાગ્યા છે," તેમ પીએમ મોદીએ ગદગદિત હૃદયે જણાવ્યું હતું.

(9:26 PM IST)