<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ટ્રમ્પના ટેરિફ વોર સામે યુરોપનો ‘વેપાર બાઝૂકા’ ભારે પડ્યો: અમેરિકાએ આખરે ગ્રીનલેન્ડ મુદ્દે નમતું જોખ્યું

શું છે આ આર્થિક બ્રહ્માસ્ત્ર? જેની ધમકી માત્રથી ડાવોસમાં ટ્રમ્પના તેવર નરમ પડ્યા અને ૧૦% ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો

દાવોસ : વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પને પણ આખરે આર્થિક મોરચે પીછેહઠ કરવાની ફરજ પડી છે. ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાના મુદ્દે જે દેશો વિરોધ કરે તેમના પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પે દાવોસ કોન્ફરન્સમાં અચાનક યુ-ટર્ન લીધો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના આ પરિવર્તન પાછળ યુરોપિયન યુનિયનનું ગુપ્ત હથિયાર 'વેપાર બાઝૂકા' જવાબદાર છે.
  'વેપાર બાઝૂકા' કોઈ સૈન્ય તોપ નથી, પરંતુ યુરોપિયન યુનિયન (EU) નું એક અત્યંત શક્તિશાળી આર્થિક હથિયાર છે. ટેકનિકલ ભાષામાં તેને 'એન્ટી-કોર્સન ઇન્સ્ટ્રુમેન્ટ' (ACI) કહેવામાં આવે છે. આ હથિયારની શક્તિને જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેને 'વેપાર બાઝૂકા' નામ આપ્યું હતું. જ્યારે કોઈ પણ શક્તિશાળી દેશ EU ના સભ્ય દેશોને વેપારમાં દબાવવાનો કે બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે, ત્યારે તેના જવાબમાં આ કાયદાકીય શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રમ્પ પોતે એક મોટા બિઝનેસમેન છે અને તેઓ સમજે છે કે જો યુરોપ આ બાઝૂકાનું ટ્રિગર દબાવશે તો અમેરિકન કંપનીઓ માટે ૪૫ કરોડ ગ્રાહકો ધરાવતું યુરોપિયન માર્કેટ કાયમી ધોરણે બંધ થઈ શકે છે. આ હથિયાર હેઠળ EU નીચે મુજબના પગલાં લઈ શકે છે:
• અમેરિકન માલસામાનની આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ.
• વિદેશી રોકાણને અટકાવી દેવું.
• અમેરિકન કંપનીઓને યુરોપના સરકારી ટેન્ડરોમાંથી બહાર કાઢી મૂકવી.
આ જંગી આર્થિક નુકસાનની કલ્પનાએ જ ટ્રમ્પને પોતાની ૧૦% ટેરિફ લાદવાની જીદ છોડવા મજબૂર કર્યા છે.
: આ શક્તિશાળી સાધનની જરૂરિયાત ૨૦૨૧માં ઉભી થઈ હતી જ્યારે ચીને લિથુઆનિયા સાથેના વેપારમાં દાદાગીરી શરૂ કરી હતી. ત્યારે યુરોપિયન કમિશને નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં આવા આર્થિક હુમલાઓનો સામનો કરવા માટે એક સજ્જ પદ્ધતિ હોવી જોઈએ. આ શસ્ત્રની સફળતા જ એમાં છે કે તેનો ઉપયોગ કરવાની જરૂર ન પડે, માત્ર તેની હાજરીનો ડર જ દુશ્મન દેશને પીછેહઠ કરવા મજબૂર કરી દે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હવે બંદૂકો અને મિસાઇલો કરતાં આર્થિક પ્રતિબંધો અને વેપાર નીતિઓ વધુ અસરકારક સાબિત થઈ રહી છે. યુરોપના આ 'બ્રહ્માસ્ત્ર'એ સાબિત કરી દીધું કે વેપારની દુનિયામાં કોઈ પણ દેશ મનમાની કરી શકે નહીં.

(9:28 PM IST)