<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધના નગારા: ઈરાન પર અમેરિકાની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી?

અરબી સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર તૈનાત અને આકાશમાં F-15E ફાઈટર જેટ્સનો ગુંજારો; ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ બાદ લશ્કરી કાર્યવાહીના સંકેતથી દુનિયાભરમાં ફફડાટ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંબંધ ફરી એકવાર વિસ્ફોટક વળાંક પર આવી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે 'બોર્ડ ઓફ પીસ' શરૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ ગલ્ફ ક્ષેત્રમાં યુએસ લશ્કરી ગતિવિધિઓ તેજ કરી દીધી છે. અમેરિકાએ તેના શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર, મિસાઈલ ડિસ્ટ્રોયર્સ અને અત્યાધુનિક ફાઈટર જેટ્સને ઈરાન તરફ રવાના કરી દેતા યુદ્ધની આશંકા પ્રબળ બની છે.
  તાજેતરના અહેવાલો મુજબ, યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ દક્ષિણ ચીન સમુદ્રથી ફંટાઈને હવે અરબી સમુદ્ર અથવા પર્સિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું છે. આ કાફલાએ ટ્રેકિંગથી બચવા માટે પોતાના ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધા છે. બીજી તરફ, અમેરિકી વાયુસેનાના F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સ મધ્ય પૂર્વના બેઝ પર ઉતરી ચૂક્યા છે. આ તે જ સ્ક્વોડ્રન છે જેણે અગાઉ ઈઝરાયલને ઈરાની હુમલાઓથી બચાવ્યું હતું.
: ઈરાનમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા લોહિયાળ વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હસ્તક્ષેપ કરવાની તક આપી છે. માનવાધિકાર સંગઠનોના મતે, ઈરાની સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં હજારો પ્રદર્શનકારીઓની હત્યા કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હિંસા નહીં અટકે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરશે. વધુમાં, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને ગાયબ થયેલું ૪૦૦ કિલો સમૃદ્ધ યુરેનિયમ અમેરિકા માટે સૌથી મોટું માથાનું દુખાવો છે, જે ૧૦ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું છે.
જો અમેરિકા હુમલો કરે તો ઈરાનનો પ્રથમ નિશાન ઈઝરાયલ હોઈ શકે છે. આથી ઈઝરાયલે તેના આયર્ન ડોમ અને એરો ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર રાખી છે. ઈરાનની સૌથી મોટી તાકાત તેની ભૌગોલિક સ્થિતિ છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ કરે તો વિશ્વભરમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ શકે છે.
વિશ્લેષકો માને છે કે અમેરિકા સીધું યુદ્ધ કરવાને બદલે પહેલા ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાઓને નષ્ટ કરવા માટે 'લિમેટેડ સ્ટ્રાઈક' કરી શકે છે.

(9:28 PM IST)