હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમિલનાડુના રાજકારણમાં ગરમાવો: વડાપ્રધાન મોદી અને પલાનીસ્વામીના નિવેદનોથી ગઠબંધનમાં નવો વળાંક
સભા દરમિયાન બંને નેતાઓએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી

તમિલનાડુના મધુરાંતકમમાં યોજાયેલી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અન્નાદ્રમુકના મહાસચિવ એડપ્પાદી પલાનીસ્વામી એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ સભા દરમિયાન બંને નેતાઓએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે તમિલનાડુ હવે પરિવર્તન માટે તૈયાર છે અને રાજ્યની જનતા ભાજપ તથા એનડીએ ગઠબંધનની સરકાર ઈચ્છે છે. તેમણે "ડબલ એન્જિન" સરકારના ફાયદા ગણાવતા કહ્યું હતું કે જો રાજ્યમાં એનડીએ સત્તામાં આવશે તો તમિલનાડુને એક સુરક્ષિત, વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવામાં આવશે.
વડાપ્રધાને પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે યુપીએ શાસનકાળ દરમિયાન તમિલનાડુની પરંપરા સમાન 'જલ્લીકટ્ટુ' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, એનડીએ સરકારે સત્તામાં આવ્યા બાદ કાયદાકીય અડચણો દૂર કરીને આ પ્રતિબંધ હટાવ્યો અને તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપિત કર્યો. વડાપ્રધાનના આ નિવેદનને હાજર જનમેદનીએ વધાવી લીધું હતું.
બીજી તરફ, આ જ મંચ પરથી અન્નાદ્રમુકના નેતા એડપ્પાદી પલાનીસ્વામીએ એક મોટો દાવો કર્યો હતો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પલાનીસ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એનડીએ ગઠબંધન રાજ્યની ૨૩૪ બેઠકોમાંથી ૨૧૦ જેટલી જંગી બેઠકો પર વિજય મેળવશે. જોકે, તેમનું વિધાન કે "અન્નાદ્રમુક સરકાર બનાવશે" તે ભાજપના કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાન મોદી જ્યાં 'એનડીએ સરકાર' પર ભાર મૂકી રહ્યા હતા, ત્યાં પલાનીસ્વામીએ સ્પષ્ટપણે અન્નાદ્રમુકના નેતૃત્વવાળી સરકારનો સંકેત આપ્યો હતો. આ નિવેદનોથી ગઠબંધનની અંદરની ગતિવિધિઓ અને સત્તાના સમીકરણો અંગે અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
