<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ભારતની આર્થિક તાકાતનો વિશ્વમાં ડંકો: ફોરેક્સ રિઝર્વ 700 બિલિયન ડોલરને પાર!

RBIના નવા આંકડાએ રચ્યો ઇતિહાસ: એક જ સપ્તાહમાં તિજોરીમાં 14 બિલિયન ડોલરનો જંગી વધારો, સોનાના ભંડાર અને વિદેશી મુદ્રાની મજબૂતીએ ભારતને વૈશ્વિક બજારમાં બનાવ્યું 'અજેય'.

મુંબઈ : ભારતીય અર્થતંત્ર માટે ગૌરવ લેવા જેવી ક્ષણ આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા તાજા ડેટા મુજબ, ૧૬ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત  ૧૪.૧૭ બિલિયન ડોલરના ઉછાળા સાથે ૭૦૧.૩૬ બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આ વધારો માત્ર આંકડાકીય નથી, પરંતુ તે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની અભેદ્ય સુરક્ષા દિવાલનું પ્રતીક છે. આ સિદ્ધિ સાથે ભારત હવે દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે આટલો મોટો વિદેશી મુદ્રા ભંડાર છે.

આ ઐતિહાસિક ઉછાળા પાછળ મુખ્યત્વે વિદેશી ચલણ સંપત્તિ અને સોનાના ભંડારમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. FCAમાં ૯.૬૫ બિલિયન ડોલરનો વધારો થયો છે, જે દર્શાવે છે કે ડોલર સિવાયના ચલણો જેવા કે યુરો અને યેનના મૂલ્યમાં થયેલા સુધારાનો ભારતને સીધો ફાયદો થયો છે. તે જ સમયે, સુરક્ષિત રોકાણ ગણાતા સોનાના ભંડારમાં પણ ૪.૬૨ બિલિયન ડોલરનો ઉમેરો થતા તેનું મૂલ્ય ૧૧૭.૪૫ બિલિયન ડોલરે પહોંચ્યું છે. આ મજબૂત રિઝર્વના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની શાખ વધશે અને વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પરનો ભરોસો વધુ દ્રઢ બનશે.

RBIના આ રિપોર્ટ કાર્ડથી સ્પષ્ટ થાય છે કે સેન્ટ્રલ બેંક રૂપિયાની વોલેટિલિટી (અસ્થિરતા) પર ચાંપતી નજર રાખી રહી છે. જ્યારે પણ વૈશ્વિક સંકટને કારણે રૂપિયો નબળો પડે છે, ત્યારે આ જંગી ભંડાર ઢાલ બનીને તેની રક્ષા કરે છે. અર્થશાસ્ત્રીઓના મતે, $૭૦૦ બિલિયનથી વધુનું અનામત હોવાનો અર્થ એ છે કે ભારત પાસે ૧૨ મહિનાથી વધુના આયાત ખર્ચને પહોંચી વળવાની ક્ષમતા છે. આ મજબૂત સ્થિતિ ભારતને આગામી સમયમાં ગમે તેવા આર્થિક વાવાઝોડા સામે ટકી રહેવાની શક્તિ પૂરી પાડશે અને વિકાસના નવા દ્વાર ખોલશે.

(9:48 PM IST)