તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
આસ્થાના મહાસાગરમાં ૩.૨ કરોડની ડૂબકી, પણ સંગમ તટે શંકરાચાર્યનો વિવાદ હજુ અકબંધ!
વસંત પંચમીએ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું: કલ્પવાસીઓની વિદાય વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની તબિયત લથડી : સ્વામી રામદેવે વિવાદ શાંત કરવા કરી અપીલ અને રાજકારણ પણ ગરમાયું

પ્રયાગરાજ : પ્રયાગરાજમાં માઘ મેળાના ચોથા અને મહત્વના 'વસંત પંચમી' સ્નાન પર્વ પર આસ્થાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે વહેલી સવારથી જ સંગમના રેતાળ પટ પર ૩.૨ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી અને યોગગુરુ સ્વામી રામદેવે પણ ભક્તો સાથે ગંગા-જમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કર્યું હતું. જોકે, આ આસ્થાના પર્વની સાથે જ એક મહિના સુધી કઠિન તપસ્યા કરનારા લાખો 'કલ્પવાસીઓ' ભારે હૃદયે વિદાય લેતા જોવા મળ્યા હતા, જેના કારણે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડો પર ભીડનું દબાણ વધી ગયું છે.
એક તરફ આસ્થાનો મહેરામણ હતો, તો બીજી તરફ જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આંદોલને વહીવટીતંત્રની ઉંઘ ઉડાવી દીધી હતી. મૌની અમાવસ્યાથી શરૂ થયેલા ઉપવાસને કારણે શુક્રવારે સવારે શંકરાચાર્યની તબિયત અચાનક લથડી હતી, જેના પગલે તેમને તત્કાલ વેનિટી વાનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. શંકરાચાર્યએ ભાવુક થઈને જણાવ્યું કે, વિવાદને કારણે તેઓ આ વખતે પવિત્ર સ્નાન કરી શક્યા નથી. આ વિવાદ વચ્ચે ૧.૨૫ લાખ માટીના શિવલિંગની સ્થાપનાનું જે ભવ્ય આયોજન હતું, તે પણ અટકી પડ્યું છે, જેનાથી શિષ્યો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંગમના કિનારે ચાલી રહેલા આ વિવાદ પર હવે આધ્યાત્મિક અને રાજકીય જગત પણ બે ભાગમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે. સ્વામી રામદેવે સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે, સંતો વચ્ચેના વિવાદથી સનાતન ધર્મનો અનાદર થઈ રહ્યો છે અને વહીવટીતંત્રએ જલ્દી સમાધાન શોધવું જોઈએ. બીજી તરફ, વિપક્ષી નેતા સંજય સિંહે શંકરાચાર્યને મળીને આ મુદ્દાને રાજકીય વાચા આપતા સરકારને ઘેરી છે. માઘ મેળો હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ શંકરાચાર્યની નારાજગી અને વહીવટીતંત્રની મડાગાંઠ આગામી 'મહાશિવરાત્રી'ના સ્નાન સુધી ચાલુ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
