<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક: યુક્રેન દ્વારા રશિયાની ધરતી પર મોસ્કો નજીક રશિયાના અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષિત ગણાતા ઓઇલ ડેપો ઉપર ડ્રોનનો મોટો હુમલો: પેન્ઝા ઓઈલ ડેપો ભડકે બળે છે: રશિયાના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર

પશ્ચિમ રશિયાના પેન્ઝા ઓબ્લાસ્ટમાં 'પેન્ઝાનેફ્ટેપ્રોડક્ટ' ઓઈલ ડેપો પર સટીક હુમલો: ઓઈલ ડેપોમાં પ્રચંડ વિસ્ફોટો સાથે જોતજોતામાં અનેક ઓઈલ ટેન્કો આગની લપેટમાં ભસ્મીભૂત

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષમાં યુક્રેને હવે રશિયાના અત્યંત મહત્વપૂર્ણ અને સુરક્ષિત ગણાતા વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા લોંગ રેન્જ ડ્રોન હુમલાને કારણે પશ્ચિમ રશિયાના પેન્ઝા પ્રાંતમાં આવેલા વિશાળ ઓઈલ ડેપોમાં ભીષણ આગ લાગી છે, જે મોસ્કોથી દક્ષિણ-પૂર્વમાં સેંકડો માઈલ દૂર હોવા છતાં યુક્રેનની પહોંચમાં આવી ગયું છે.

 

યુદ્ધના મેદાનમાં સતત બદલાઈ રહેલી પરિસ્થિતિ વચ્ચે યુક્રેને રશિયાની ઉર્જા વ્યવસ્થા પર મોટો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને અહેવાલો મુજબ, પશ્ચિમ રશિયાના પેન્ઝા ઓબ્લાસ્ટમાં આવેલા 'પેન્ઝાનેફ્ટેપ્રોડક્ટ' ઓઈલ ડેપો પર યુક્રેને ડ્રોન વડે રાત્રિના સમયે સટીક હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઓઈલ ડેપોમાં પ્રચંડ વિસ્ફોટો થયા હતા અને જોતજોતામાં અનેક ઓઈલ ટેન્કો આગની લપેટમાં આવી ગઈ હતી. રાત્રિના અંધકારમાં આકાશમાં ઉંચે સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જે હુમલાની તીવ્રતા દર્શાવે છે.

 

આ ઘટનાનું ભૌગોલિક મહત્વ ખૂબ જ વધારે છે, કારણ કે હુમલાનો ભોગ બનેલો વિસ્તાર રશિયાની રાજધાની મોસ્કોથી દક્ષિણ-પૂર્વ દિશામાં આશરે ૩૨૫ માઈલ (અંદાજે ૫૨૦ કિલોમીટર) દૂર આવેલો છે. યુક્રેન સરહદથી આટલા અંદરના ભાગમાં આવેલા વિસ્તારમાં સફળતાપૂર્વક હુમલો કરીને યુક્રેને પોતાની લોંગ-રેન્જ ડ્રોન ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાની લોજિસ્ટિક્સ અને ઈંધણ પુરવઠાની ચેઈનને તોડવાનો હોવાનું મનાય છે. રશિયન સૈન્ય માટે ઈંધણનો પુરવઠો મહત્વનો છે ત્યારે આવા ડેપો પરના હુમલા યુદ્ધ મોરચે રશિયાની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

 

ડિજિટલ પ્લેટફોર્મ પર સામે આવેલા દ્રશ્યોમાં ઓઈલ ડેપો બળતો જોઈ શકાય છે અને સ્થાનિક પ્રશાસન આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહ્યું છે. જોકે, આ હુમલામાં જાનહાની અંગેના કોઈ સત્તાવાર આંકડા હજુ રશિયન મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. 

 

યુક્રેન દ્વારા રશિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને ઉર્જા માળખા પર થઈ રહેલા આવા હુમલાઓ યુદ્ધને એક નવા અને વધુ વિનાશક તબક્કામાં લઈ જઈ રહ્યા છે. આ ઘટના બાદ રશિયાના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલો છે.

(11:03 PM IST)