હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન-અમેરિકા વચ્ચે વાકયુદ્ધ તેજ: ટ્રમ્પના દાવાને ઈરાને ગણાવ્યું 'સફેદ જૂઠાણું'!
ટ્રમ્પ અને ઈરાની નેતા સામસામે: ૮૦૦ વિરોધીઓની ફાંસી અટકાવવાના અમેરિકી દાવા પર ઈરાની પ્રોસીક્યુટરનો પલટવાર

તેહરાન: વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર વિસ્ફોટક વળાંક આવ્યો છે. તાજેતરમાં પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના હસ્તક્ષેપને કારણે ઈરાને ૮૦૦ કેદીઓની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. જોકે, ઈરાને આ દાવાને માત્ર રદિયો જ નથી આપ્યો, પરંતુ તેને સદંતર પાયાવિહોણું ગણાવ્યું છે. ઈરાનના ટોચના ફરિયાદી મોહમ્મદ મોવાહિતાદીએ આક્રમક રીતે જણાવ્યું હતું કે ઈરાની ન્યાયતંત્ર કોઈ પણ વિદેશી શક્તિના આદેશોનું પાલન કરતું નથી અને ૮૦૦ની આવી કોઈ સંખ્યા અસ્તિત્વમાં જ નથી. આ વિવાદ એવા સમયે ઉભો થયો છે જ્યારે ઈરાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ વચ્ચે હિંસક કાર્યવાહીમાં ૫,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે.
બીજી તરફ, ઈરાનના કટ્ટરપંથી ધાર્મિક નેતા મોહમ્મદ જાવદ હાજી અલી અકબરીએ ટ્રમ્પ પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ટ્રમ્પના લુકની મજાક ઉડાવતા તેમને "પીળા ચહેરાવાળા અને પીળા વાળવાળા કુખ્યાત વ્યક્તિ" કહીને સંબોધ્યા હતા. આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાનના પરમાણુ મથકો કે હિતો પર હુમલો કરવાની ભૂલ કરશે, તો મધ્ય પૂર્વમાં ફેલાયેલા તમામ અમેરિકન સૈન્ય ઠેકાણાઓ ઈરાની મિસાઈલોના નિશાના પર હશે. ઈરાને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે રિવોલ્યુશનરી ગાર્ડના અત્યાધુનિક ડ્રોન અને લશ્કરી તાકાતના વીડિયો પણ જાહેર કર્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તે દબાણ સામે ઝૂકવા તૈયાર નથી.
વધતા તણાવને જોતા અમેરિકાએ પણ દરિયાઈ માર્ગે ઈરાનને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુએસ એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ અબ્રાહમ લિંકન' હિંદ મહાસાગર તરફ આગળ વધી રહ્યું છે, જે ટ્રમ્પને ઈરાન પર કોઈ પણ ક્ષણે સૈન્ય કાર્યવાહી કરવાનો વિકલ્પ પૂરો પાડશે. ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો અમેરિકાના આગામી પગલાં ઈરાન માટે ભૂતકાળના તમામ હુમલાઓ કરતા વધુ ભયાનક હશે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ બંને દેશોના 'ઈગો વોર' પર ટકેલી છે, કારણ કે આ તણાવ ગમે ત્યારે મોટા પ્રાદેશિક યુદ્ધમાં પલટાઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
