<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

આકાશમાંથી ત્રાટકતા 'મૃત્યુના અવાજ'ને હવે પકડી પાડશે ધરતીના સેન્સર!

ભૂકંપ માપતા સિસ્મોમીટર્સ હવે અવકાશના ઝેરી કાટમાળ સામે બનશે પૃથ્વીનું રક્ષણ કવચ: સોનિક બૂમ ટેકનોલોજી દ્વારા સેંકડો કિલોમીટરની ઝડપે આવતા સેટેલાઈટના ટુકડાઓનું સચોટ લોકેશન મેળવવામાં વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

ન્યૂયોર્ક  : અત્યાર સુધી આપણે જે મશીનોનો ઉપયોગ ધરતીના પેટાળમાં થતી હલચલ અને ભૂકંપ માપવા માટે કરતા હતા, તે હવે આકાશમાંથી આવતી આફતો સામે લડવા તૈયાર છે. અવકાશમાં તરતા જૂના સેટેલાઈટ્સ અને રોકેટના હજારો ટુકડાઓ ૨૯,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તે અવાજની ગતિ કરતા પણ વધુ તેજ હોય છે. આ પ્રક્રિયામાં પેદા થતા 'સોનિક બૂમ' એટલે કે અવાજના વિસ્ફોટક તરંગો જમીન પર ધ્રુજારી પેદા કરે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ ધ્રુજારી સામાન્ય ભૂકંપ જેવી જ હોય છે, જેને સિસ્મોમીટરની મદદથી ટ્રેક કરી શકાય છે, જે અગાઉની રડાર સિસ્ટમ કરતા પણ વધુ સચોટ સાબિત થઈ રહી છે.

આ ક્રાંતિકારી ટેકનોલોજીના મૂળ મંગળ ગ્રહ પરના નાસાના 'ઇનસાઇટ મિશન'માં રહેલા છે. મંગળના પાતળા વાતાવરણમાં જ્યારે ઉલ્કાઓ અથડાતી ત્યારે ત્યાંના સેન્સરોએ તેના અવાજ પરથી અથડામણનું ચોક્કસ સ્થળ શોધી કાઢ્યું હતું. પૃથ્વી પર પણ આ જ સિદ્ધાંત લાગુ કરીને વૈજ્ઞાનિકોએ એપ્રિલ ૨૦૨૪માં ચીની અવકાશયાન 'શેનઝોઉ-15'ના કાટમાળનો માર્ગ શોધી કાઢ્યો. આ પ્રયોગમાં જાણવા મળ્યું કે રડાર દ્વારા કરવામાં આવેલી આગાહી કરતા વાસ્તવિક કાટમાળ ૨૫ માઈલ દૂર પડ્યો હતો. આ શોધ સાબિત કરે છે કે અવકાશમાંથી પડતા કાટમાળની ગતિવિધિ સમજવા માટે હવે આપણે માત્ર રડાર પર નિર્ભર રહેવાની જરૂર નથી.

અવકાશનો આ કાટમાળ માત્ર ટકરાવથી જ નુકસાન નથી પહોંચાડતો, પરંતુ તે એક 'સાયલન્ટ કિલર' પણ છે. તેમાં રહેલા કિરણોત્સર્ગી પદાર્થો અને ભારે ધાતુઓ પૃથ્વીના ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે અને પર્યાવરણને ઝેરી બનાવી રહ્યા છે. જો આ કાટમાળ ક્યાં પડ્યો છે તેની ચોક્કસ ખબર ન હોય, તો તેને સાફ કરવો અશક્ય છે. આ નવી ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અત્યંત સસ્તી છે, કારણ કે દુનિયાભરમાં ભૂકંપ માપવા માટેનું નેટવર્ક પહેલેથી જ અસ્તિત્વમાં છે. આ સેન્સરો હવે અવકાશના કચરાને શોધી કાઢીને પૃથ્વીને સંભવિત પર્યાવરણીય હોનારતથી બચાવવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.

(9:15 PM IST)