હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલ બન્યું સફેદ રણ: પહાડો પર બરફનું આક્રમણ: તાપમાનમાં ૧૩ ડિગ્રીનો પ્રચંડ ઘટાડો!
શિમલામાં ૧ ફૂટ અને લાહૌલમાં અઢી ફૂટ બરફની ચાદર છવાઈ, રસ્તાઓ જામ અને વીજળી ગુલ થતાં જનજીવન ઠપ્પ: પર્યટકો માટે સ્વર્ગ જેવો નજારો તો સ્થાનિકો માટે મુસીબતનો પહાડ

શિમલા : દેવભૂમિ હિમાચલ પ્રદેશ અત્યારે જાણે થીજી ગયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં હિમાચલના પહાડો પર થયેલી ભારે હિમવર્ષાએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. શિમલામાં અંદાજે એક ફૂટ અને લાહૌલ ખીણમાં અઢી ફૂટ જેટલો બરફ પડતાં સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પારો સામાન્ય કરતાં ૮ ડિગ્રી નીચે સરકી જતાં અને સરેરાશ મહત્તમ તાપમાનમાં ૧૩.૧ ડિગ્રીનો ધરખમ ઘટાડો થતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. શિમલાના લપસણા રસ્તાઓ પર વાહનોની અવરજવર જોખમી બનતા વહીવટીતંત્રએ તમામ મુખ્ય માર્ગો બંધ કરી દીધા છે અને પર્યટકોને બિનજરૂરી મુસાફરી ટાળવા કડક સૂચના આપી છે.
હિમવર્ષાની આ આફત વચ્ચે મનાલી અને બંજારમાં શૈક્ષણિક સંસ્થાઓ ૨૪ જાન્યુઆરી માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કસૌલીમાં ભારે પવન અને બરફના ભારને કારણે વિશાળકાય વૃક્ષો ધરાશાયી થતાં તહસીલદારના વાહનો સહિત અનેક કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે. કિન્નૌર અને કુલ્લુ જિલ્લામાં વીજળીના થાંભલા પડી જવાથી અંધારપટ છવાઈ ગયો છે, જેનાથી સ્થાનિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. બંજરના જાલોરી જોટ પાસે બરફના તોફાનમાં ફસાયેલા પાંચ પ્રવાસીઓને સ્થાનિક લોકો અને પોલીસે જીવના જોખમે બચાવી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી.
જોકે, આ હિમવર્ષા ખેડૂતો અને બાગાયતદારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. લાંબા સમયના દુષ્કાળ બાદ થયેલી આ બરફવર્ષાથી સફરજનના બગીચાઓ અને પાણીના સ્ત્રોતો ફરી જીવંત થશે તેવી આશા બંધાઈ છે. મનાલી અને કલ્પામાં પ્રવાસીઓ બરફના ફાવાઓનો આનંદ માણી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર હજુ ૩-૪ દિવસ આવી જ સ્થિતિ રહેવાની આગાહીને પગલે હાઈ એલર્ટ પર છે. હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
