<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

"જાપાનના અર્થતંત્ર પર મોટું સંકટ: ૧૦ ટ્રિલિયન ડોલરનું દેવું અને બોન્ડ માર્કેટમાં ભડકો થતાં વૈશ્વિક બજારોમાં કડાકાની ભીતિ

જાપાનની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ફેરફારો અને બોન્ડ માર્કેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આગામી ૪૮ કલાકમાં શેરબજારોમાં મોટા કડાકા બોલે તેવી શક્યતા

ટોક્યો: વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત ચિંતાજનક સમાચાર જાપાનથી આવી રહ્યા છે. જાપાનની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ફેરફારો અને બોન્ડ માર્કેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આગામી ૪૮ કલાકમાં શેરબજારોમાં મોટા કડાકા બોલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જાપાનનું દેવું રેકોર્ડ સ્તરે પહોંચતા વૈશ્વિક આર્થિક પતનના ભણકારા વાગી રહ્યા છે.

 

ડિજિટલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અને આર્થિક ડેટા અનુસાર, જાપાનની મધ્યસ્થ બેંક 'બેંક ઓફ જાપાન' (બીઓજે) દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા સરકારી બોન્ડની યીલ્ડ (વળતર) ઇતિહાસના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જાપાન સરકાર હાલમાં ૧૦ ટ્રિલિયન ડોલર (દસ લાખ કરોડ ડોલર) ના જંગી દેવાના ડુંગર નીચે દબાયેલી છે અને આ દેવું દિન-પ્રતિદિન વધી રહ્યું છે. વર્ષો સુધી જાપાન શૂન્યની નજીક વ્યાજદરો રાખીને અર્થતંત્રને ટકાવી રાખવામાં સફળ રહ્યું હતું, પરંતુ હવે તે 'લાઈફ સપોર્ટ' સિસ્ટમ્સ ખતમ થઈ ગઈ છે અને વાસ્તવિક ગણિત ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે.

 

વધતી જતી બોન્ડ યીલ્ડને કારણે જાપાન સરકાર માટે દેવું ચૂકવવાનો ખર્ચ અસહ્ય બની રહ્યો છે અને સરકારની આવકનો મોટો હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ રહ્યો છે. 

 

આર્થિક વિશ્લેષકોના મતે, જાપાનનું બોન્ડ માર્કેટ ૭.૬ ટ્રિલિયન ડોલરનું છે, જેમાં ૨૦૨૨ થી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લિક્વિડિટી અથવા રોકડ પ્રવાહની તીવ્ર અછત સર્જાઈ છે. તેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે હવે જાપાનના બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ૬૫ ટકા જેટલો થઈ ગયો છે, જે ૨૦૦૯ માં માત્ર ૧૨ ટકા હતો. વિદેશી રોકાણકારો સ્થાનિક રોકાણકારોની જેમ લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખતા નથી, જેના કારણે બજારમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે.

 

જાપાનની વીમા કંપનીઓ પણ રેકોર્ડ સ્તરે બોન્ડ વેચી રહી છે. આ તમામ પરિબળો ભેગા મળીને એક ભયંકર આર્થિક સુનામી સર્જી શકે છે, જેની સીધી અસર ભારતીય બજારો સહિત સમગ્ર વિશ્વ પર પડવાની પણ સંભાવના ચર્ચાઈ રહી છે.

(10:38 PM IST)