અવકાશમાં હવે લહેરાશે ભારતની આણ: 2028 સુધીમાં ઈસરો લોન્ચ કરશે પોતાનું ‘સ્પેસ સ્ટેશન’
ગગનયાન પછીની સૌથી મોટી છલાંગ; ભારતીય કંપનીઓને BAS-01 મોડ્યુલ તૈયાર કરવા માટે અપાયું આમંત્રણ

શ્રીહરિકોટા, તા.૨૪ : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અંતરિક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ રચવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ચંદ્રયાન અને ગગનયાનની સફળતાની દિશામાં આગળ વધ્યા બાદ હવે ભારત અવકાશમાં પોતાનું કાયમી ઘર એટલે કે 'ભારતીય અંતરિક્ષ સ્ટેશન' (BAS) બનાવવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, ઇસરોએ વર્ષ 2028 સુધીમાં આ સ્ટેશનનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સ્વદેશી તાકાતથી બનશે ‘સ્પેસ લેબ’
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' હશે. ઇસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) એ ભારતીય એરોસ્પેસ કંપનીઓને BAS-01 માળખું તૈયાર કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ સ્ટેશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ને ભારતનો સચોટ જવાબ માનવામાં આવી રહ્યો છે. ઇસરો ઈચ્છે છે કે ભારતીય એન્જિનિયરો 8 મીટર ઊંચું અને 3.8 મીટર વ્યાસ ધરાવતું એવું મજબૂત માળખું બનાવે જે માનવ વસવાટ માટે સુરક્ષિત હોય.
ચોકસાઈમાં નહીં ચાલે જરાય બાંધછોડ
અવકાશના અત્યંત કઠિન વાતાવરણમાં ટકી રહેવા માટે આ મોડ્યુલ ઉચ્ચ-શક્તિવાળા એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવશે. ઈસરોએ શરત મૂકી છે કે આ માળખામાં અડધા મિલીમીટરની ભૂલ પણ ચલાવી લેવામાં આવશે નહીં. કંપનીઓએ અત્યંત જટિલ વેલ્ડિંગ અને લીક ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, કારણ કે આ સ્ટેશનમાં ભારતીય અવકાશયાત્રીઓ મહિનાઓ સુધી રહીને વિજ્ઞાન અને ટેકનોલોજી પર સંશોધન કરશે.
2035 સુધીમાં ભારતનું ‘અવકાશ સરનામું’ પૂર્ણ થશે
ઈસરોની યોજના મુજબ, 2028માં પ્રથમ ભાગ લોન્ચ કર્યા બાદ, ધીમે ધીમે નવા મોડ્યુલ્સ ઉમેરવામાં આવશે અને 2035 સુધીમાં ભારત પાસે સંપૂર્ણ રીતે કાર્યરત સ્પેસ સ્ટેશન હશે. આ મિશન ભારતને તે ચુનંદા દેશોની યાદીમાં સામેલ કરી દેશે જેમની પાસે અવકાશમાં પોતાનું કાયમી ઠેકાણું છે. હવે ભારત માત્ર ઉપગ્રહો છોડવા પૂરતું મર્યાદિત નથી, પણ બ્રહ્માંડમાં વસવાટ કરવા માટે પણ સજ્જ થઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
