હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી-NCRમાં મેઘરાજાની મહેર: વરસાદે ઝેરી હવામાંથી અપાવી મુક્તિ, પણ હવે ‘કરા’ સાથે ઠંડીનો કહેર વધશે
AQI ઘટીને 264 પર પહોંચ્યો; ગુરુગ્રામમાં ઓરેન્જ એલર્ટ અને ભારે પવન સાથે કરા પડવાની આગાહી

નવી દિલ્હી: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માટે આ શનિવારની સવાર થોડી રાહત લઈને આવી છે. લાંબા સમયથી પ્રદૂષણની ચાદર લપેટાયેલા દિલ્હી-NCRમાં શુક્રવારે થયેલા વરસાદને કારણે હવામાં રહેલું ઝેર ઓછું થયું છે. શનિવારે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સુધરીને ૨૬૪ નોંધાયો હતો, જેના કારણે લોકોએ લાંબા સમય બાદ શુદ્ધ હવામાં શ્વાસ લીધો હોય તેવો અનુભવ કર્યો છે.
હવામાન વિભાગે (IMD) ગુરુગ્રામ માટે એલર્ટ જારી કર્યું છે. શુક્રવારે અહીં ૧૨ મીમી વરસાદ પડ્યા બાદ હવે શનિવાર માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, કેટલાક વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વાવાઝોડા સાથે કરા પડવાની પણ પૂરી શક્યતા છે. દક્ષિણ હરિયાણાના જિલ્લાઓમાં રવિવાર સુધી ગાઢ ધુમ્મસ અને ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાને જોતા 'યલો એલર્ટ' જારી કરાયું છે.
વરસાદને કારણે હવે દિલ્હીવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. IMD મુજબ લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષાને કારણે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાશે. ૨૬ જાન્યુઆરીથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જે ઠંડીના જોરને વધુ મજબૂત બનાવશે. જોકે, રાહતની વાત એ છે કે શીત લહેરની (Cold Wave) સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે.
નિષ્ણાતોના મતે, વરસાદે પ્રદૂષણને ધોઈ નાખ્યું છે પણ આ રાહત લાંબો સમય નહીં ટકે. ઠંડી વધવાથી અને પવનની ગતિ ધીમી પડવાથી ૨૭ જાન્યુઆરી બાદ હવાની ગુણવત્તા ફરીથી 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં જઈ શકે છે. પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ વચ્ચે દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું રહેશે, તેથી નાગરિકોને ગરમ કપડાં પહેરવા અને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
