મનરેગાનું નામ બદલાતા ‘મહાભારત’: કોંગ્રેસના દેશવ્યાપી ઉપવાસ અને ભાજપ સરકાર સામે બાયો ચઢાવી
‘VB G Ram G’ નામ સામે વિરોધનો વંટોળ; હરિયાણાના ધારાસભ્યોએ ગણાવ્યું રોજગાર છીનવવાનું ષડયંત્ર

ઝજ્જર:કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને VB G Ram G (વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ) કરવાના નિર્ણય સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. હરિયાણાના ઝજ્જર, હિસાર અને અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓએ રવિવારે એક દિવસના ઉપવાસ રાખીને સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
ઝજ્જરના ધારાસભ્ય ગીતા ભુક્કલ અને બાદલીના ધારાસભ્ય કુલદીપ વત્સે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર માત્ર નામ બદલવાનું રાજકારણ રમી રહી છે. તેમણે જણાવ્યું કે, મનરેગા માત્ર નામ નથી પણ ગરીબો માટે રોજગારની ગેરંટી હતી. હવે નવું નામ આપીને સરકાર પંચાયતોના અધિકારો અને સામાન્ય માણસની આજીવિકા પર તરાપ મારી રહી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સરકાર મૂળ યોજનાના નિયમોને નબળા પાડીને તેને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે.
હિસારના ગાંધી ચોક ખાતે સાંસદ જયપ્રકાશની આગેવાનીમાં સેંકડો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જયપ્રકાશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી જૂનું નામ અને યોજનાની જૂની શરતો યથાવત નહીં રહે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. બીજી તરફ, હરિયાણા યુવા કોંગ્રેસે પણ આ મુદ્દે મેદાનમાં ઉતરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ખંડણીના બનાવો અંગે સરકારને ઘેરી હતી.
કોંગ્રેસના નેતાઓએ દલીલ કરી હતી કે જો સરકાર ખરેખર સુધારો કરવા માંગતી હોત તો તેણે ભથ્થાં અને કામના દિવસો વધારવા જોઈતા હતા, પરંતુ માત્ર નામ બદલીને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય ચંદ્રપ્રકાશ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપને 'જનવિરોધી' ગણાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
