<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બાંગ્લાદેશમાં લોકશાહીનું લોહી વહી રહ્યું છે: શેખ હસીનાએ મૌન તોડ્યું, યુનુસ સરકારને ગણાવી ‘લોહિયાળ ફાસીવાદી’

ઉગ્રવાદી શક્તિઓ અને વિદેશી કાવતરાએ દેશને અંધકારમાં ધકેલ્યો; લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે હસીનાનો આક્રોશ

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક અત્યંત ભાવનાત્મક અને શક્તિશાળી નિવેદન જારી કરીને પડોશી દેશની કથળતી જતી હાલત પર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ અને લોહિયાળ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. શેખ હસીનાએ દાવો કર્યો હતો કે આજે રાજધાની ઢાકાથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી માત્ર લૂંટફાટ, હિંસા અને અરાજકતાનું જ સામ્રાજ્ય છે.
 પોતાના નિવેદનમાં હસીનાએ વચગાળાની સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કરતા તેમને "લોહિયાળ ફાશીવાદી" ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારથી દેશમાં માનવ અધિકારોને કચડી નાખવામાં આવી રહ્યા છે અને પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
 પૂર્વ પીએમએ ખાસ ચિંતા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ (ખાસ કરીને હિન્દુઓ) અને મહિલાઓ વિરુદ્ધ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ ઠપ્પ થઈ ગઈ છે અને ન્યાયતંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. વધુમાં, તેમણે આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશની જમીન અને સંસાધનો વિદેશી શક્તિઓને સોંપવાનું મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે.
અવામી લીગની પાંચ મુખ્ય માંગણીઓ: શેખ હસીનાએ દેશવાસીઓને એક થવાની અપીલ કરતા પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:
૧. યુનુસ સરકારની તાત્કાલિક હકાલપટ્ટી.
૨. દેશભરમાં ફાટી નીકળેલી હિંસા પર રોક.
૩. લઘુમતીઓ અને મહિલાઓને સંપૂર્ણ રક્ષણ.
૪. રાજકીય વેરઝેર અને બદલાની ભાવનાથી કરાતી અટકાયતોનો અંત.
૫. હિંસાના બનાવોની સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા નિષ્પક્ષ તપાસ.
શેખ હસીનાએ અંતમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે બાંગ્લાદેશની જનતાની પડખે ઉભા રહેવું જોઈએ જેથી લોકશાહીનું પુનઃસ્થાપન થઈ શકે અને અવામી લીગ આ સંઘર્ષ ચાલુ રાખશે.

(2:42 PM IST)