<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી: ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં શાહબાઝની એન્ટ્રીથી ઇઝરાયલ લાલઘૂમ

“આતંકવાદના સમર્થકો પર ભરોસો નથી”- ઇઝરાયલી મંત્રીએ પાકિસ્તાનને ખખડાવ્યું; ઘરઆંગણે પણ પીએમ શરીફનો વિરોધ

દાવોસ: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace) ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, શાંતિ સ્થાપવાના આ પ્રયાસમાં પાકિસ્તાનનું નામ જોતા જ ઇઝરાયલે આકરી પ્રતિક્રિયા આપી છે. ઇઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ પાકિસ્તાન જેવા દેશ પર ક્યારેય વિશ્વાસ કરી શકે નહીં.
ઇઝરાયલના નાણામંત્રી નીર બરકતે એક મુલાકાતમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, “આતંકવાદને સમર્થન આપતો કોઈપણ દેશ સ્વીકાર્ય નથી, અને તેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે તેઓ કતાર, તુર્કી કે પાકિસ્તાન જેવા દેશોની કોઈ પણ ભૂમિકાને મંજૂરી આપશે નહીં, કારણ કે આ દેશોએ જેહાદી સંગઠનોને ટેકો આપ્યો છે.
: શાહબાઝ શરીફના આ નિર્ણયથી પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચી ગયો છે. જેલવાસ ભોગવી રહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી PTI એ આરોપ લગાવ્યો છે કે શરીફ સરકારે પેલેસ્ટિનિયન હિતો સાથે દગો કર્યો છે. વિપક્ષે આ મામલે ‘રાષ્ટ્રીય લોકમત’ લેવાની માંગ કરી છે અને સરકારને અમેરિકાની કઠપૂતળી ગણાવી છે.
 ડોનાલ્ડ ટ્રમ્પના આ મિશનમાં જોડાવા માટે ભારત અને ચીન સહિત ૬૦ દેશોને આમંત્રણ અપાયું હતું, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને UAE સહિત માત્ર ૨૦ જેટલા દેશોએ જ તેમાં રસ દાખવ્યો છે. નવાઈની વાત એ છે કે આ બોર્ડમાં કાયમી સભ્યપદ મેળવવા માટે અંદાજે ૧ અબજ ડોલર જેવી મોટી રકમ ચૂકવવી પડે છે. ભારતે હજુ સુધી આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

(6:57 PM IST)