<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પીએમ મોદીનો અનોખો અંદાજ: “મારા પર ભલે ગમે તેટલી રીલ્સ બનાવીને ગાળો આપે, પણ હું જનતાનો પ્રેમ અપમાનિત નહીં કરું”

કેરળમાં ભાષણ રોકીને વડાપ્રધાને એક બાળકનું દિલ જીતી લીધું; ટ્રોલ કરનારાઓને આપ્યો એવો જવાબ કે સ્ટેજ તાળીઓથી ગુંજી ઉઠ્યું

તિરુવનંતપુરમ : કેરળ અને તિરુવનંતપુરમમાં એક જંગી રેલીને સંબોધિત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં એક ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી. રેલીમાં લાખોની ભીડ વચ્ચે પીએમની નજર એક નાના બાળક પર પડી, જે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાનનો ફોટો હાથમાં પકડીને ઉભો હતો. આ જોઈને પીએમ મોદીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ રોકી દીધું અને તે બાળક સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
પીએમ મોદીએ સ્ટેજ પરથી જ તે બાળકને વિનંતી કરી કે તે ફોટાની પાછળ પોતાનું નામ અને સરનામું લખી આપે, જેથી તેઓ ભવિષ્યમાં તેને પત્ર લખી શકે. વડાપ્રધાનના આ સહજ અને પ્રેમાળ વર્તને ત્યાં હાજર હજારો લોકોના દિલ જીતી લીધા હતા. જોકે, આ ઘટના બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરનારા અને રીલ્સ બનાવીને મજાક ઉડાવનારા વિરોધીઓ પર તીક્ષ્ણ કટાક્ષ કર્યો હતો.
 પીએમ મોદીએ કહ્યું, “હું જાણું છું કે આ ઘટના પછી કેટલાક ‘ખાસ પ્રેમ’ ધરાવતા લોકો નવી રીલ્સ બનાવશે. કોઈ તેને પૂર્વ-આયોજિત નાટક કહેશે તો કોઈ મને ગાળો આપશે. હું રીલ બનાવનારાઓના અપશબ્દો સહન કરી લઈશ, પણ જે બાળકે બે-ત્રણ દિવસ મહેનત કરીને મારા માટે આટલો પ્રેમ બતાવ્યો છે, તેનું અપમાન હું સહન નહીં કરી શકું. જનતાની લાગણીઓ આ સોશિયલ મીડિયાની રીલ્સ કરતાં લાખો ગણી વધુ શક્તિશાળી છે.”
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સીપીઆઈ(એમ) અને કોંગ્રેસનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેરળની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને આગામી સમયમાં ભાજપ અહીં મજબૂત પકડ જમાવશે. પીએમની આ વાતો સાંભળી આખું પંડાલ ‘મોદી-મોદી’ ના નારા અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

(7:03 PM IST)