<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મુમ્બ્રાને ‘લીલું’ બનાવવા નીકળેલા AIMIM નેતા ભેરવાયા: કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ સહર શેખે પોલીસ સ્ટેશનમાં માફી માંગી

“હિન્દુઓને ધમકી આપવાનું બંધ કરો”- ભાજપના કડક વલણ સામે ઓવૈસીના કોર્પોરેટર નરમ પડ્યા; લેખિતમાં માફી પત્ર આપવો પડ્યો

મુંબઈ :મહારાષ્ટ્રના મુમ્બ્રા વિસ્તારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના કોર્પોરેટર સહર શેખ પોતાના એક નિવેદનને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.ચૂંટણી જીત્યા બાદ ઉત્સાહમાં આવીને સહર શેખે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, "આગામી પાંચ વર્ષમાં મુમ્બ્રામાં દરેક ઉમેદવાર AIMIM નો હશે અને અમે આખા મુમ્બ્રાને 'લીલા રંગ' માં રંગી દઈશું." આ નિવેદનને સાંપ્રદાયિક ગણાવીને ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો બિચક્યો હતો.
 ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે સહર શેખનું આ નિવેદન સીધી રીતે હિન્દુ સમુદાયને ધમકી આપવા સમાન છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે શું પોલીસ આવા ભડકાઉ નિવેદન સામે મૌન રહેશે? સોમૈયાએ જાહેરાત કરી હતી કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો તેઓ શનિવારે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરશે. ભાજપના આ દબાણ બાદ સહર શેખ આખરે મુમ્બ્રા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને લેખિતમાં માફી માંગી હતી.
વિવાદ વધતા AIMIM ના નેતા વારિસ પઠાણે બચાવ કરતા કહ્યું હતું કે, સહર શેખના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. પક્ષના મતે, 'લીલો રંગ' એ પાર્ટીનો સત્તાવાર રંગ છે અને સહર માત્ર પાર્ટીના વિસ્તારની વાત કરી રહ્યા હતા, તેને ધર્મ સાથે જોડવો જોઈએ નહીં. જોકે, સહર શેખે પોતાની માફીમાં સ્વીકાર્યું છે કે જો તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલગીર છે.
ભલે સહર શેખે માફી માંગી લીધી હોય, પરંતુ કિરીટ સોમૈયા હજુ પણ કડક કાનૂની કાર્યવાહીની માંગ પર અડગ છે. આ ઘટનાને કારણે મુંબઈને અડીને આવેલા મુમ્બ્રા વિસ્તારમાં રાજકીય વાતાવરણ તંગ બન્યું છે. આગામી સમયમાં આ મુદ્દો મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ ઉછળે તેવી શક્યતા છે.

(7:15 PM IST)