<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બિહારમાં મહાગઠબંધનમાં ‘મહાભંગાણ’: તેજસ્વી યાદવ સાથે કોંગ્રેસના છેડા ફાટ્યા? રાહુલ ગાંધીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

“RJD સાથે હવે ગઠબંધન શક્ય નથી”- કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી પટણાથી દિલ્હી સુધી ખળભળાટ; હવે એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી

પટણા: બિહારના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ હવે કોંગ્રેસે તેજસ્વી યાદવની આગેવાની હેઠળની RJD સાથે છેડો ફાડવાનું મન બનાવી લીધું છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બિહાર કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક બાદ આ ગઠબંધન તૂટવાના સંકેતો સ્પષ્ટ થઈ ગયા છે.
વાલ્મિકી નગરના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પ્રસાદે એક સનસનાટીભર્યું નિવેદન આપતા જણાવ્યું છે કે, આરજેડી સાથે ગઠબંધન ચાલુ રાખવું હવે કોંગ્રેસ માટે શક્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પણ આ વાત સાથે સંમત થયા છે અને કોંગ્રેસ હવે બિહારમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે. ધારાસભ્યએ તો ત્યાં સુધી કહ્યું કે, "NDAની સુનામીમાં પણ અમે ટકી રહ્યા છીએ, તો હવે અમારે કોઈના ટેકાની જરૂર નથી."
આ રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસે સંગઠનમાં પણ ફેરબદલની તૈયારી કરી લીધી છે. બિહાર વિધાનસભાના આગામી બજેટ સત્ર પહેલા કોંગ્રેસ પક્ષ પોતાના નવા નેતાની વરણી કરશે. આ સાથે જ બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું નવું માળખું પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના આ આક્રમક વલણથી તેજસ્વી યાદવની છાવણીમાં ચિંતાના વાદળો છવાયા છે.
 બીજી તરફ, કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના કથિત અપમાનના મુદ્દે ભાજપ અને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, "યોગી સરકારે એ કર્યું છે જે મુઘલો અને અંગ્રેજો પણ કરી શક્યા નહોતા." બિહારમાં ગઠબંધન તૂટવાની આ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ હવે હિન્દુત્વ અને પ્રાદેશિક ગૌરવના મુદ્દે પણ પોતાની નવી લાઇન લેતી જોવા મળી રહી છે.

(7:19 PM IST)