<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બિહાર કોંગ્રેસમાં ‘ભૂકંપ’: દિલ્હી દરબારમાં પ્રદેશ પ્રમુખ રાજેશ રામ પર પસ્તાળ, RJD સાથે છેડો ફાડવા હાઈકમાન્ડ તૈયાર!

રાહુલ ગાંધી અને ખડગેની બેઠકમાં જૂથવાદ વકર્યો; જૂન ૨૦૨૬ પછી સંગઠનમાં મોટા ફેરફારના સંકેત, ‘જાતિ’ નહીં પણ ‘યોગ્યતા’ પર ભાર

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસની આંતરિક લડાઈ હવે પટણાથી દિલ્હીના દરબાર સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં બિહારના નેતાઓની મેરેથોન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ નેતૃત્વ સામે ભારે અસંતોષ જોવા મળ્યો હતો, જેના કારણે વર્તમાન પ્રદેશ પ્રમુખ રાજેશ રામની હકાલપટ્ટી નિશ્ચિત મનાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વરિષ્ઠ નેતા તારિક અનવરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંગઠનનું સુકાન હવે જાતિના આધારે નહીં પણ અનુભવ અને યોગ્યતાના આધારે સોંપવું જોઈએ. પ્રદેશ પ્રભારી કૃષ્ણ અલ્લાવરુ અને રાજેશ રામ સામે ટિકિટ વિતરણમાં ગેરરીતિના આરોપો પણ ઉઠ્યા હતા. આ વિવાદોને ઉકેલવા હાઈકમાન્ડે એક 'સર્ચ કમિટી' બનાવવાનો નિર્ણય લીધો છે, જે જૂન ૨૦૨૬ સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ નવા માળખાની જાહેરાત થશે.
 સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વાલ્મીકિ નગરના ધારાસભ્ય સુરેન્દ્ર પ્રસાદે જાહેરમાં સ્વીકાર્યું કે RJD (લાલુ પ્રસાદ યાદવની પાર્ટી) સાથે હવે આગળ વધવું અશક્ય છે. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધી પણ કોંગ્રેસને બિહારમાં સ્વતંત્ર રીતે મજબૂત કરવાના પક્ષમાં છે. કોંગ્રેસ હવે ‘ગઠબંધનની કાખઘોડી’ છોડીને પોતાની તાકાત પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
 જોકે, આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં પક્ષ નિષ્ફળ રહ્યો હતો. હાઈકમાન્ડે આ નિર્ણય હવે ધારાસભ્યો પર છોડ્યો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા નવા નેતાની વરણી કરવામાં આવશે. બીજી તરફ, ધારાસભ્યોએ પક્ષપલટાની વાતોને નકારી કાઢી છે અને રાહુલ ગાંધીને ખાતરી આપી છે કે તેઓ NDA ની સુનામીમાં પણ પક્ષ સાથે વફાદાર રહ્યા હતા અને ભવિષ્યમાં પણ રહેશે.

(7:20 PM IST)