પ્રજાસત્તાક દિવસની પરેડમાં સુરક્ષાનો કડક પહેરો: ઇયરફોન કે ચાર્જર સાથે લાવ્યા તો એન્ટ્રી નહીં મળે!
૭૭મા ગણતંત્ર પર્વની તૈયારીઓ પૂર્ણ; ૩૦ ભવ્ય ઝાંખીઓ અને સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં ભારતીય સિનેમાની ઝલક આકર્ષણનું કેન્દ્ર બનશે

નવી દિલ્હી:આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ સજ્જ થઈ રહ્યો છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા એટલી કડક રાખવામાં આવી છે કે પરેડ નિહાળવા આવતા દર્શકો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જો તમે તમારી સાથે મોબાઈલ ચાર્જર, ઇયરફોન, પાવર બેંક અથવા કોઈ પણ બેટરીથી ચાલતા ગેજેટ્સ લઈ જશો, તો તમને પ્રવેશ આપવામાં આવશે નહીં.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, દર્શકો પોતાની સાથે માત્ર મોબાઈલ ફોન, ટિકિટ, ફોટો આઈડી કાર્ડ, જરૂરી દવાઓ અને પાણીની નાની બોટલ જ લઈ જઈ શકશે. સિક્કા, પેન, કોઈ પણ પ્રકારના વાયર, રિમોટ કંટ્રોલ ચાવી, કેમેરા કે તીક્ષ્ણ વસ્તુઓ (જેમ કે બ્લેડ, કાતર, છરી) પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડક તપાસ દરેક પ્રવેશદ્વાર પર કરવામાં આવશે, જેથી દર્શકોને અગવડતા ન પડે તે માટે પ્રતિબંધિત વસ્તુઓ ઘરે જ મૂકી આવવાની સલાહ આપવામાં આવી છે.
આ વર્ષે પરેડની મુખ્ય થીમ "વંદે માતરમ અને આત્મનિર્ભર ભારત" રાખવામાં આવી છે.
• ૩૦ ભવ્ય ઝાંખીઓ: ૧૭ રાજ્યો અને ૧૩ કેન્દ્રીય મંત્રાલયોની કુલ ૩૦ ઝાંખીઓ સામેલ થશે.
• ભારતીય સિનેમાની ઝલક: પહેલીવાર પરેડમાં ભારતીય સિનેમાનો ઈતિહાસ દર્શાવતી ઝાંખી જોવા મળશે, જેનું નેતૃત્વ પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે.
• નવી ધૂન: ઓસ્કાર વિજેતા સંગીતકાર એમ.એમ. કીરવાની દ્વારા તૈયાર કરવામાં આવેલી 'વંદે માતરમ'ની નવી ધૂન આ વખતે કર્તવ્ય પથ પર ગુંજશે.
• ઓપરેશન સિંદૂર: લશ્કરી ઝાંખીમાં ગયા વર્ષના 'ઓપરેશન સિંદૂર'ની જીતનું પ્રદર્શન કરવામાં આવશે.
શુક્રવારે થયેલા ફૂલ ડ્રેસ રિહર્સલ દરમિયાન દિલ્હીમાં ઝરમર વરસાદ અને કડકડતી ઠંડી હોવા છતાં ત્રણેય સેનાના જવાનોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નહોતી. પહેલીવાર ભારતીય સેનાની 'ભૈરવ બટાલિયન' પણ આ રિહર્સલમાં ભાગ લેતી જોવા મળી હતી, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ૭૭મા પ્રજાસત્તાક દિવસની આ પરેડ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને સૈન્ય શક્તિનું અદભૂત મિશ્રણ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
