<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

શશી થરૂરનો હુંકાર: "પાર્ટી લાઈનથી ક્યારેય ભટક્યો નથી : પણ 'ઓપરેશન સિંદૂર' પર મારો નિર્ણય અટલ"

કેરળ સાહિત્ય મહોત્સવમાં કોંગ્રેસી સાંસદે પક્ષ સાથેના મતભેદોની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું: રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારના આકરા પ્રહારને વ્યાજબી ઠેરવતા જવાહરલાલ નેહરુના શબ્દો ટાંક્યા

કોઝિકોડ:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રખર વક્તા શશી થરૂરે ફરી એકવાર પોતાની સ્પષ્ટવક્તાથી રાજકીય ગલિયારાઓમાં ચર્ચા જગાવી છે. કેરળ સાહિત્ય મહોત્સવના મંચ પરથી તેમણે પક્ષ સાથેના કથિત મતભેદોના અહેવાલોને ધરાર ફગાવી દીધા હતા. થરૂરે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ સંસદમાં હંમેશા પાર્ટીની સત્તાવાર લાઇનને વળગી રહ્યા છે અને ક્યારેય શિસ્તનું ઉલ્લંઘન કર્યું નથી. જોકે, તેમણે 'ઓપરેશન સિંદૂર'ના મુદ્દે પોતાના સૈદ્ધાંતિક સ્ટેન્ડને દોહરાવતા કહ્યું કે, અમુક ચોક્કસ વિષયો પરના તેમના અંગત અને બૌદ્ધિક મંતવ્યો પક્ષ વિરુદ્ધના બળવા તરીકે ન જોવા જોઈએ.

'ઓપરેશન સિંદૂર' અંગેના વિવાદ પર પ્રકાશ પાડતા થરૂરે સમજાવ્યું કે એક લેખક અને વિવેચક તરીકે તેમણે હંમેશા "હિટ હાર્ડ, હિટ સ્માર્ટ" ની નીતિમાં વિશ્વાસ રાખ્યો છે. પહલગામની હૃદયદ્રાવક ઘટના બાદ તેમણે સૂચવ્યું હતું કે આતંકવાદી અડ્ડાઓ પર તાત્કાલિક અને મર્યાદિત સર્જિકલ પ્રહાર અનિવાર્ય છે. થરૂરના મતે, ભારત એક ઉભરતી આર્થિક શક્તિ છે અને આપણે પાકિસ્તાન સાથેના લાંબા યુદ્ધમાં ફસાઈને આપણું રોકાણ જોખમમાં મૂકવું જોઈએ નહીં. આથી જ, તેમણે માત્ર આતંકવાદી સંગઠનોને નિશાન બનાવીને પાકિસ્તાનને કડક સંદેશ આપવાની હિમાયત કરી હતી, જે આખરે ભારત સરકારની સત્તાવાર વ્યૂહરચના બની.

અંતમાં, થરૂરે રાષ્ટ્રીય હિતને પક્ષીય રાજકારણથી ઉપર રાખવાની વાત કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે જ્યારે સરકારના ઓપરેશનની વાત આવી, ત્યારે તેમણે વિદેશની ધરતી પર પણ ભારતનો પક્ષ મજબૂતીથી રાખ્યો હતો. પોતાની વાતને વેધક બનાવવા માટે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સુપ્રસિદ્ધ પંક્તિ "જો ભારત મરી જાય, તો કોણ જીવશે?" ટાંકીને સ્પષ્ટ કર્યું કે દેશની સુરક્ષા સામે રાજકીય વિચારધારાઓ ગૌણ છે. આ નિવેદન દ્વારા તેમણે પક્ષના આંતરિક વિખવાદની ચર્ચાઓને તો શાંત કરી જ છે, સાથે જ પોતાની છબી એક રાષ્ટ્રવાદી વિચારક તરીકે વધુ દ્રઢ કરી છે.

(7:43 PM IST)