<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ઇન્ડિગોની પાંખો કપાઈ: સરકારે 700થી વધુ ફ્લાઇટ્સ પર માર્યો કાતર : મુસાફરોમાં ચિંતાનો માહોલ

વારંવાર ફ્લાઇટ રદ થતા DGCA એ લીધા આકરા પગલાં: 6 મેટ્રો શહેરોના 717 સ્લોટ છીનવાયા : CEO પીટર એલ્બર્સને ફટકાર્યો ₹22 કરોડનો જંગી દંડ

નવી દિલ્હી:  ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શિયાળાના સમયપત્રકમાં 10 ટકાનો મોટો કાપ મૂકીને ઇન્ડિગોની કાર્યપદ્ધતિ પર લગામ કસી છે. એરલાઇને દેશના વિવિધ એરપોર્ટ પરથી પોતાના 717 સ્લોટ ખાલી કરવા પડ્યા છે. આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગયા ડિસેમ્બરમાં થયેલો વ્યાપક ફ્લાઇટ વિક્ષેપ છે, જેમાં ઇન્ડિગોએ માત્ર ત્રણ દિવસમાં 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી અને હજારો મુસાફરોને એરપોર્ટ પર રઝળતા મૂકી દીધા હતા.

આ કાર્યવાહીમાં સૌથી વધુ અસર દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોને થઈ છે. કુલ રદ કરાયેલા સ્લોટમાંથી 364 સ્લોટ તો માત્ર છ મુખ્ય શહેરોના જ છે, જેમાં હૈદરાબાદ અને બેંગલુરુના મુસાફરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી શકે છે. સ્લોટ એટલે કે વિમાનના ઉતરાણ અને ટેકઓફ માટેનો ફાળવેલ ચોક્કસ સમય. હવે આ સમય અન્ય એરલાઇન્સને આપવા માટે મંત્રાલયે પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, અન્ય કંપનીઓ આ સ્લોટ લેવામાં ખાસ ઉત્સાહ નથી દાખવી રહી, કારણ કે તેમાંની મોટાભાગની ફ્લાઇટ્સ 'રેડ-આઇ' એટલે કે મોડી રાતની છે જે ઓછી નફાકારક ગણાય છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માત્ર ફ્લાઇટ્સમાં કાપ મૂકીને સંતોષ નથી માન્યો, પરંતુ ઇન્ડિગો પર ₹22.20 કરોડનો આકરો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત, એરલાઇનને સુરક્ષા અને ઓપરેશનલ વિશ્વસનીયતાના ભાગરૂપે ₹50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. CEO પીટર એલ્બર્સને આપવામાં આવેલી સત્તાવાર ચેતવણી એ સંકેત આપે છે કે સરકાર હવે મુસાફરોની સુરક્ષા અને સમયના પાલન બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આ ઘટનાક્રમ બાદ આગામી દિવસોમાં હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

(7:48 PM IST)