યુપી કોંગ્રેસમાં ભંગાણ: નસીમુદ્દીન સિદ્દીકીનો 'હાથ' છોડ્યો : 72 દિગ્ગજ નેતાઓ સાથે પક્ષમાંથી સામૂહિક વિદાય
માયાવતીના ભૂતપૂર્વ જમણા હાથ ગણાતા સિદ્દીકીએ કોંગ્રેસની કાર્યશૈલી સામે બગાવત કરી: બે ડઝન પૂર્વ ધારાસભ્યોના રાજીનામાથી દિલ્હી સુધી હલચલ - હવે કયા પક્ષમાં જશે 'કિંગમેકર'?

લખનૌ: ઉત્તર પ્રદેશના રાજકારણમાં શનિવારે ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે કોંગ્રેસના કદાવર નેતા અને પશ્ચિમ યુપીના પ્રદેશ પ્રમુખ નસીમુદ્દીન સિદ્દીકીએ પક્ષને અલવિદા કહી દીધું. માત્ર સિદ્દીકી જ નહીં, પણ તેમની સાથે 72 જેટલા વરિષ્ઠ નેતાઓ અને લગભગ બે ડઝન ભૂતપૂર્વ ધારાસભ્યોએ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાના રાજીનામા મોકલી આપ્યા છે. એક સમયે બહુજન સમાજ પાર્ટીમાં માયાવતીના સૌથી વિશ્વાસુ લેફ્ટનન્ટ ગણાતા સિદ્દીકીનું કોંગ્રેસ છોડવું એ રાજ્યમાં પાર્ટીના અસ્તિત્વ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ સામૂહિક રાજીનામાએ સાબિત કર્યું છે કે યુપી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા નસીમુદ્દીન સિદ્દીકીએ પાર્ટીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ જે આશા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, તે હવે ઠગારી નીવડી છે. સિદ્દીકીના મતે, તેઓ જાતિવાદ અને સાંપ્રદાયિકતા સામે લડવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસના માળખામાં રહીને આ લડાઈ લડવી અશક્ય બની ગઈ હતી. સંગઠનમાં વરિષ્ઠ નેતાઓની અવગણના અને પાયાના સૂચનોને ધ્યાને ન લેવાની વૃત્તિથી કંટાળીને તેમણે આ આકરો નિર્ણય લીધો છે. જોકે તેમણે વ્યક્તિગત રીતે કોઈ નેતા પર પ્રહાર કર્યો નથી, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે હાઈકમાન્ડના નેતૃત્વ તરફ છે.
હવે સૌની નજર સિદ્દીકીની આગામી રણનીતિ પર ટકેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ અને ખાસ કરીને મુસ્લિમ મતદારોમાં મોટું પ્રભુત્વ ધરાવતા નસીમુદ્દીન સિદ્દીકી નવી પાર્ટીની શોધમાં હોવાનું જણાય છે. તેમણે મીડિયાને જણાવ્યું કે તેઓ હાલમાં પોતાના સાથીદારો સાથે મંથન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ નવા રાજકીય રસ્તાની જાહેરાત કરશે. યુપી વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે આટલા મોટા જૂથનું પક્ષ છોડવું એ સમાજવાદી પાર્ટી અથવા ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે સિદ્દીકી જે પણ પક્ષમાં જશે, ત્યાંની વોટ બેંકમાં મોટો ઉછાળો જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
