હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવી મુંબઈની MIDCમાં ભીષણ આગ: એક પછી એક ૪ કંપનીઓ બળીને ખાખ, આકાશમાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા
બીટા કેમિકલ સહિત રબર ફેક્ટરીઓમાં આગ પ્રસરી; ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે, ૩ કલાકમાં આગ કાબૂમાં આવવાની શક્યતા

નવી મુંબઈ:મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવેલા પાવને MIDC (ઔદ્યોગિક વિસ્તાર)માં આજે બપોરે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં એક કેમિકલ કંપનીમાં લાગેલી આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આસપાસની અન્ય ત્રણ કંપનીઓને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. અત્યાર સુધીમાં બીટા કેમિકલ, રાયગઢ કેમિકલ, નેશનલ રબરની બે કંપનીઓ એમ કુલ ૪ એકમોમાં આગ પ્રસરી હોવાના અહેવાલ છે.
કેમિકલ અને રબરના જથ્થાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ઘટ્ટ ધુમાડાના વાદળો આકાશમાં માઈલો દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આસપાસની અન્ય કંપનીઓમાંથી પણ શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ નવી મુંબઈના કોપરખૈરણે, શિરવણે અને સિડકો ફાયર સ્ટેશનની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો અત્યારે ભારે જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા હજુ પણ બે થી ત્રણ કલાકનો સમય લાગી શકે છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કરોડો રૂપિયાની મિલકત અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની ટીમ અંદર કોઈ ફસાયેલું તો નથી ને તેની પણ તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
