<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

બ્રહ્માંડ જેવી તાકાત: ભારતની હાઈપરસોનિક મિસાઈલ અને AI ડ્રોનથી દુશ્મન દેશોમાં ફફડાટ, જાણો રણમેદાનમાં કેવી રીતે બદલાશે યુદ્ધના નિયમો?

મેક ઇન ઇન્ડિયાનો જોરદાર કરિશ્મા: મચ ૧૦ની ગતિએ ત્રાટકતી મિસાઈલો અને રોબોટિક શસ્ત્રો સાથે ભારત બન્યું ગ્લોબલ પાવર, વિશ્વ પાસે નથી આ શક્તિશાળી હથિયારોનો તોડ, પહાડોમાં સૈનિકોની જગ્યાએ હવે 'રોબોટિક કૂતરાઓ' કરશે સરહદની રક્ષા

નવી દિલ્હી: ભારત હવે માત્ર સંરક્ષણ સામગ્રી ખરીદનારો દેશ રહ્યો નથી, પરંતુ પોતાની તાકાત જાતે ડિઝાઈન અને વિકસિત કરનારો 'ગ્લોબલ ડિફેન્સ હબ' બની રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની પરેડમાં જ્યારે ભારતની સૈન્ય શક્તિ પ્રદર્શિત થશે, ત્યારે દુનિયા જોશે કે ભારત હવે એન્ટી-શિપ મિસાઈલ LR-AShM જેવી હાઈપરસોનિક ટેકનોલોજીમાં કેટલું આગળ નીકળી ગયું છે. નિવૃત્ત ગ્રુપ કેપ્ટન ડૉ. રાજીવ કુમાર નારંગના મતે, આ હાઈપરસોનિક મિસાઈલ અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે (મચ ૫ થી મચ ૧૦) હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી પાસે આ રફતારને અટકાવવાનો કોઈ ઈલાજ નથી. ભારતનું આ 'બ્રહ્માસ્ત્ર' દુશ્મનની કોઈપણ વ્યુહરચનાને પળવારમાં ધ્વસ્ત કરી શકે છે.

ડ્રોન યુદ્ધ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં ભારતની તૈયારીઓ પણ હવે હાઈ-ટેક બની છે. સરહદ પર જ્યાં સૈનિકો માટે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં હવે 'રોબોટિક કૂતરાઓ' અને સ્વાયત્ત ડ્રોન તૈનાત કરવામાં આવી રહ્યા છે. જોકે, માનવ સૈનિકોનું સ્થાન સંપૂર્ણપણે લેવા માટે હજુ સમય લાગશે, પરંતુ પ્રારંભિક સ્તરે આ રોબોટિક ટેકનોલોજી ભારતીય સેના માટે 'ગિયર ચેન્જર' સાબિત થઈ રહી છે. ખાસ કરીને પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં આ રોબોટ્સ માત્ર જાસૂસી જ નહીં, પણ લોજિસ્ટિક સપ્લાયમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. આર્મ્ડ ડ્રોન અને રોબોટિક્સનું સંયોજન ભારતને ભવિષ્યના ડિજિટલ રણમેદાનમાં શક્તિશાળી બનાવશે.

ભારતે પોતાના હેલિકોપ્ટર (ALH અને LCH) અને ફાઇટર જેટ્સ (LCA તેજસ) ના ઉત્પાદનમાં જે ગતિ પકડી છે, તે તેની આત્મનિર્ભરતાનું સૌથી મોટું ઉદાહરણ છે. અગાઉ હેલિકોપ્ટર વિકસાવવામાં ૩૦ વર્ષ લાગતા હતા, જે હવે અનુભવ અને સ્થાપિત ટેકનોલોજીને કારણે માત્ર ૧૫ વર્ષમાં થઈ રહ્યું છે. આ સાથે પિનાકા રોકેટ સિસ્ટમ અને ATAGS જેવી સ્વદેશી તોપોએ ભારતની જમીન શક્તિને મજબૂત કરી છે. ડૉ. એપીજે અબ્દુલ કલામનું 'મૂળ સંશોધન' કરવાનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે, જ્યાં ભારત તાપસ ડ્રોન અને કાવેરી એન્જિન જેવા જટિલ પ્રોજેક્ટ્સમાં ૭૦-૯૦% સફળતા પ્રાપ્ત કરી ચૂક્યું છે.

ભવિષ્યમાં ડ્રોન 'સ્વોર્મ' એટલે કે ડ્રોનના ટોળા દ્વારા થતા હુમલાઓને રોકવા માટે ભારત 'ભાર્ગવસ્ત્ર' જેવી એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. BSF અને ITBP જેવા સુરક્ષા દળોને વધુ આધુનિક હાર્ડ-કિલ સિસ્ટમ્સ અને AI સેન્સર્સથી સજ્જ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે દિવસે ભારતીય જવાન એક એન્ટી-ડ્રોન ગનથી એક જ શોટમાં ડ્રોનને તોડી પાડશે, તે દિવસે ભારતની આત્મનિર્ભરતા શિખર પર હશે. અત્યારે ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે ભારતની લશ્કરી ક્ષમતા હવે માત્ર રક્ષા માટે નથી, પણ દુશ્મનને ઘરમાં ઘુસીને મારવા માટે પણ સક્ષમ છે.

(11:18 AM IST)