News of Sunday, 25th January 2026
હૈદરાબાદમાં કાળમુખી આગનો તાંડવ: ફર્નિચરના શો-રૂમમાં પાંચ જિંદગીઓ હોમાઈ, ભોંયરામાં મોતનું તાંડવ ખેલાયું
નામપલ્લી વિસ્તારની ચાર માળની ઈમારતમાં શનિવારની રાત કાળી સાબિત થઈ; રહેવાની મનાઈ હોવા છતાં ભોંયરામાં રાખવામાં આવેલા શ્રમિકો ધુમાડાના ગોટામાં ગૂંગળાયા, ફાયર સેફ્ટીના નિયમો નેવે મૂકનાર માલિક સામે ફોજદારી ગુનો દાખલ કરવા મંત્રીનો આદેશ

હૈદરાબાદ: હૈદરાબાદના ગીચ વસ્તી ધરાવતા નામપલ્લી વિસ્તારમાં શનિવારની રાત્રે એક ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચાર માળની ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી. સૌથી કરૂણ સ્થિતિ ઈમારતના ભોંયરામાં જોવા મળી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડના પરિવારજનો ફસાયા હતા. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ રવિવારે સવારે એક મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આગ લાગ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ અને NDRFની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો, પરંતુ ફર્નિચરનો જથ્થો અત્યંત જ્વલનશીલ હોવાથી આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઈમારતમાંથી નીકળતા કાળા ડિબાન ધુમાડાના ગોટાને કારણે બચાવકર્મીઓ અંદર પ્રવેશી શકતા નહોતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભોંયરું માત્ર પાર્કિંગ માટે હતું, પરંતુ ત્યાં કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે આગ લાગી ત્યારે લોકો બહાર નીકળવા માટે ભાગ્યા હતા, પણ ધુમાડાના ગૂંગળામણને કારણે તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
તેલંગાણાના ફાયર વિભાગના ડિરેક્ટર જનરલે આ ઘટનાને સંપૂર્ણપણે માનવસર્જિત બેદરકારી ગણાવી છે. તેમણે ખુલાસો કર્યો કે મૃતકોમાં ત્રણ લોકો ભોંયરામાં રહેતા હતા, જ્યારે અન્ય બે લોકો તેમને બચાવવા માટે અંદર ગયા હતા અને કમનસીબે પોતે પણ કાળનો કોળિયો બની ગયા હતા. ભોંયરું જ્વલનશીલ ફર્નિચર અને અન્ય સામાનથી ખિચોખિચ ભરેલું હતું, જેને કારણે આગ ઓલવવામાં કલાકોનો સમય લાગ્યો હતો. જો ઈમારતમાં ફાયર સેફ્ટીના સાધનો હોત અથવા પાર્કિંગના નિયમોનું પાલન થયું હોત, તો કદાચ આ પાંચ જિંદગીઓ બચાવી શકાઈ હોત.
આ કરૂણ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા હૈદરાબાદના પ્રભારી મંત્રી પોન્નમ પ્રભાકરે મૃતકોના પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે પોલીસને કડક નિર્દેશ આપ્યા છે કે માનવ જિંદગી સાથે ચેડા કરનાર દુકાન માલિક સામે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ કરવામાં આવે. હાલમાં તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર મોટા શહેરોમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યાપારી એકમો અને સુરક્ષાના નિયમોના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
