<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

અમેરિકામાં ઇમિગ્રેશનના નામે લોહીયાળ જંગ: ICE એજન્ટોના અંધાધૂંધ ગોળીબારમાં ૧નું મોત, ૨ વર્ષની બાળકીની અટકાયત

ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહીએ મિનિયાપોલિસને યુદ્ધના મેદાનમાં ફેરવ્યું; પિતાની નજર સામે દીકરીનું અપહરણ અને કરિયાણાની દુકાન પાસે જ લોહી રેડાતા ભભૂક્યો પ્રચંડ જનઆક્રોશ

મિનિયાપોલિસ (યુએસએ): અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન મુદ્દે ચાલી રહેલી દમનકારી કાર્યવાહી હવે લોહીયાળ વળાંક લઈ રહી છે. મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટો અને સ્થાનિક પ્રજા વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં ઇમિગ્રેશન અધિકારીઓએ એક ૫૧ વર્ષીય વ્યક્તિને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાએ આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇમિગ્રેશન એજન્ટો દ્વારા ગોળીબારની આ બીજી મોટી ઘટના છે. ગવર્નર ટિમ વોલ્ઝે આ કાર્યવાહીને "અમાનવીય" ગણાવી વ્હાઇટ હાઉસ પાસે જવાબ માંગ્યો છે.
આ વિવાદની સૌથી આઘાતજનક કડી ૨ વર્ષની બાળકી ક્લો રેનાટાની અટકાયત છે. એલ્વિસ જોએલ ટીપોન-એચેવરિયા જ્યારે તેની માસૂમ પુત્રી સાથે કરિયાણાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ICE એજન્ટોએ રસ્તામાં જ તેમની કાર આંતરી હતી. કોઈ પણ ન્યાયિક વોરંટ વગર કારના કાચ તોડી પિતા અને પુત્રી બંનેને બળજબરીથી ઉપાડી ટેક્સાસના ડિટેન્શન સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. કોર્ટના કડક આદેશ બાદ બાળકીને મુક્ત તો કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ ઇમિગ્રેશન એજન્સીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઇમિગ્રેશન એજન્ટોના આ રવૈયાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંદાજે ૧૨૦ થી વધુ લોકોના ટોળાએ એજન્ટોને ઘેરી લીધા હતા અને તેમના પર પથ્થરમારો કર્યો હતો. પ્રશાસનનો દાવો છે કે જે વ્યક્તિને ગોળી મારવામાં આવી તે હથિયારધારી હતો, પરંતુ સ્થાનિક નેતાઓ અને માનવ અધિકાર કાર્યકર્તાઓ આને સીધેસીધી હત્યા ગણાવી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં ICE દ્વારા અટકાયત કરાયેલ આ પાંચમું બાળક છે, જે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર 'ઝીરો ટોલરન્સ' ની નીતિ હેઠળ પરિવારોને વિખેરી રહ્યું છે.
આ લોહીયાળ સંઘર્ષ બાદ મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અપીલ કરી છે કે આ પ્રકારની દમનકારી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે. બીજી તરફ, ૫ વર્ષના અન્ય એક બાળકને પ્રિસ્કુલમાંથી જ ઉઠાવી લેવાની ઘટનાએ વાલીઓમાં ફાળ પાડી છે. હાલમાં મિનિયાપોલિસમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઇમિગ્રેશન વિવાદ હવે કાયદાકીય લડાઈ મટીને રસ્તા પરના જંગમાં ફેરવાઈ ગયો છે, જેનાથી અમેરિકામાં વસતા હજારો ઇમિગ્રન્ટ પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

(2:31 PM IST)