<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

મતદાર યાદીમાં 'મહાસફાઈ': દેશભરમાંથી લાખો નકલી મતો રદ, UP બાદ ગુજરાતમાં મોટો ફેરફાર

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ ચૂંટણી પંચનો સપાટો; એકલા ઉત્તર પ્રદેશમાંથી ૨.૮૯ કરોડ નામો કમી કરાયા, ગુજરાત યાદીમાં ત્રીજા ક્રમે - નકલી અને મૃત મતદારોના કારણે બદલાશે રાજકીય સમીકરણો

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ દેશના રાજકીય નકશા પર ખળભળાટ મચાવી દીધો છે. મતદાર યાદીને શુદ્ધ કરવાના આ અભિયાનમાં લાખોની સંખ્યામાં મૃત, નકલી અને સ્થળાંતરિત મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા છે. આ આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જે રાજ્યોમાં પહેલા મતોનું ભારે વજન દેખાતું હતું, ત્યાં હવે મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત જેવા મોટા રાજ્યોમાં આ 'મહાસફાઈ'ની અસર સૌથી વધુ જોવા મળી છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે, જ્યાં ૨.૮૯ કરોડ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. યુપીમાં પહેલા ૧૫.૪૪ કરોડ મતદારો હતા, જે હવે ઘટીને ૧૨.૫૫ કરોડ થઈ ગયા છે. એટલે કે રાજ્યના દર ૧૦૦ માંથી ૧૯ મતદારો 'ગાયબ' થયા છે. આમાંથી ૪૬ લાખથી વધુ મતદારો મૃત મળી આવ્યા હતા, જ્યારે ૨.૫૪ કરોડ જેટલા નામો નકલી અથવા ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. આ આંકડાઓ સૂચવે છે કે અત્યાર સુધી ચૂંટણીઓમાં આ ડેટા કેટલી હદે ખોટો હોઈ શકે છે.
તામિલનાડુ ૯૭ લાખ મતોના ઘટાડા સાથે બીજા ક્રમે છે, જ્યારે ગુજરાત આ યાદીમાં ૭૩.૭૩ લાખ નામોની સફાઈ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં કુલ મતદારોના ૧૪.૫૨ ટકા નામો કાઢી નાખવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ સરેરાશ ૮ થી ૧૦ ટકા જેટલા મતોની કાપણી થઈ છે. છત્તીસગઢમાં ૨૭ લાખથી વધુ મતદારો યાદીમાંથી બાકાત થયા છે. નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપમાં સૌથી ઓછી અસર જોવા મળી છે, જ્યાં માત્ર ૧,૬૦૦ મતો જ રદ કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની આ કાર્યવાહીથી રાજકીય પક્ષોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે નકલી મતો દૂર થવાથી આગામી ચૂંટણીઓના પરિણામો પર સીધી અસર પડશે. ઘણી બેઠકો પર હાર-જીતનું અંતર આ કાઢી નાખવામાં આવેલા મતો કરતા ઓછું હોય છે, તેથી હવે પક્ષોએ નવા ડેટા મુજબ પોતાની વ્યૂહરચના બદલવી પડશે. આ શુદ્ધિકરણ અભિયાનનો મુખ્ય હેતુ લોકશાહીમાં પારદર્શિતા લાવવાનો અને માત્ર સાચા મતદારો જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો છે.
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ - કાઢી નાખવામાં આવેલા મતોની સંખ્યા
ઉત્તર પ્રદેશ ૨.૮૯ કરોડ
તામિલનાડુ ૯૭ લાખ
ગુજરાત ૭૩.૭૩ લાખ
પશ્ચિમ બંગાળ ૫૮.૨ લાખ
મધ્ય પ્રદેશ ૪૨.૭૪ લાખ
રાજસ્થાન ૪૧.૮૫ લાખ

(2:42 PM IST)