News of Sunday, 25th January 2026
હાઈવે પર મુસાફરી થશે સસ્તી: સરકારે ટોલ ટેક્સમાં આપ્યું ૭૦% સુધીનું તોતિંગ ડિસ્કાઉન્ટ
માર્ગ પરિવહન મંત્રાલયે ટોલ નિયમોમાં કર્યો ઐતિહાસિક સુધારો; હવે હાઈવે પર કામ ચાલતું હશે તો પૂરો ટેક્સ નહીં આપવો પડે, વાહનચાલકોના ખિસ્સા પરનો બોજ ઘટતા નવા વર્ષે મોટી રાહત

નવી દિલ્હી: નેશનલ હાઈવે પર સતત વધી રહેલા ટોલ ટેક્સના બોજ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતા નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. હવે જો તમે એવા કોઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો જ્યાં રસ્તો પહોળો કરવાનું કામ ચાલતું હોય, તો તમારે પૂરો ટોલ ટેક્સ ભરવો પડશે નહીં. નવા નિયમ મુજબ, બે-લેન રસ્તાને ચાર-લેન કે તેથી વધુ પહોળો કરવામાં આવી રહ્યો હોય તેવા કિસ્સામાં વાહનચાલકોને ૭૦% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે હવે તમારે નિર્ધારિત ટોલના માત્ર ૩૦% જ રકમ ચૂકવવી પડશે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા 'રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો, ૨૦૦૮' માં મહત્વપૂર્ણ સુધારો કરીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ સુધારા મુજબ, જે દિવસથી હાઈવે પર બાંધકામ શરૂ થશે ત્યારથી લઈને પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી આ રાહત મળવાપાત્ર રહેશે. અત્યાર સુધી એવું બનતું હતું કે હાઈવે પર કામ ચાલતું હોય અને મુસાફરો ટ્રાફિક કે ધૂળનો સામનો કરતા હોય, તો પણ તેમને પૂરો ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે સરકારે ન્યાયિક અભિગમ અપનાવી કામગીરીના સમયગાળા દરમિયાન ટેક્સમાં મોટો કાપ મૂક્યો છે.
સરકારના આ નવા નિયમમાં વધુ એક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ હાઈવેને ચાર-લેનથી વધારીને છ-લેન કે આઠ-લેન કરવામાં આવી રહ્યો હોય, તો ત્યાં ટોલ ટેક્સ પર ૨૫% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે આવા રસ્તાઓ પર મુસાફરોએ ૭૫% ટોલ ચૂકવવો પડશે. સરકારી ડેટા મુજબ, દેશભરમાં અંદાજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ કિલોમીટરના હાઈવેને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે, જેનો સીધો લાભ લાખો વાહનચાલકોને મળશે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરનારાઓ માટે આ ડિસ્કાઉન્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર માલવાહક વાહનોની સ્પીડ વધારવાનો અને પરિવહન ખર્ચ ઘટાડવાનો છે. સરકારનો લક્ષ્યાંક છે કે ચાર-લેન કોરિડોરના નિર્માણ સાથે કોમર્શિયલ વાહનોની સરેરાશ ગતિ ૩૫ કિમીથી વધારીને ૫૦ કિમી પ્રતિ કલાકથી વધુ કરવામાં આવે. નવા વર્ષથી લાગુ થયેલા આ નિયમો તમામ ચાલુ અને આગામી હાઈવે પ્રોજેક્ટ્સ પર લાગુ પડશે. નોંધનીય છે કે ટોલ રોડનો કુલ ખર્ચ વસૂલ થઈ ગયા પછી માત્ર ૪૦% મેન્ટેનન્સ ટેક્સ લેવાનો નિયમ તો પહેલેથી જ અમલમાં છે, જેમાં હવે આ નવા ડિસ્કાઉન્ટનો ઉમેરો થયો છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
