<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

બરફવર્ષાથી મિશ્ર માહોલ: પ્રવાસન અને વીજળી માટે 'અમૃત' સમાન, તો સ્થાનિકો માટે 'હિમ સુનામી' અને રસ્તા બંધ થવાની આફત

ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત: અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો: રાજ્યના અનેક હાઈવે અને લિંક રોડ પરથી બરફ હટાવવાની કામગીરી હજુ પૂરી થઈ નથી: ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં થઈ રહેલી જબરદસ્ત હિમવર્ષાએ રાજ્યમાં એક વિચિત્ર વિરોધાભાસી ચિત્ર ઊભું કર્યું છે. એક તરફ જ્યાં પર્યટકો અને ખેડૂતો માટે આ બરફવર્ષા ખુશી અને આશાનું કિરણ લઈને આવી છે, તો બીજી તરફ દુર્ગમ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે તે મોટી મુસીબત અને આફત બની રહી છે. 

 

કાશ્મીરના વુલર તળાવ પાસે રહેતા ફાઝીલી જેવા સ્થાનિકો ખુદાનો આભાર માની રહ્યા છે, પરંતુ સાથે સાથે એ પણ દુઆ કરી રહ્યા છે કે હવે વધુ બરફ ન પડે, કારણ કે ભૂતકાળમાં વર્ષ ૨૦૦૫, ૨૦૦૮ અને ૨૦૧૮માં આવેલા 'હિમ સુનામી' (એવલાન્ચ) જેવી હોનારતોની યાદ આજે પણ લોકોને ધ્રુજાવી દે છે.

 

આ વર્ષે કાશ્મીરમાં ભયંકર ઠંડી અને બરફવર્ષાએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સફેદ ચાદર ઓઢી લીધેલી કાશ્મીરની વાદીઓમાં સહેલાણીઓનો ધસારો વધી રહ્યો છે, જે રાજ્યના પર્યટન ઉદ્યોગ માટે આનંદના સમાચાર છે. ગયા વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં કોઈ રેકોર્ડ બન્યો ન હતો, પરંતુ આ વખતે બરફથી લદાયેલા પહાડો અને બરફમાં રમવાની મજા માણવા ઉમટી પડેલા પ્રવાસીઓને જોઈને નવા રેકોર્ડ સર્જાવાની આશા જાગી છે. 

 

આ ઉપરાંત, ઉનાળામાં પાણી અને વીજળીના સંકટનો સામનો કરવો નહીં પડે તે પણ એક મોટી રાહત છે. પ્રદેશની તમામ હાઈડ્રો-ઈલેક્ટ્રિક (પનબીજળી) પરિયોજનાઓ બરફ ઓગળવાથી મળતા પાણી પર નિર્ભર હોવાથી, આ ભારે હિમવર્ષા ઉનાળાને ખુશહાલ બનાવશે તેવી ખાતરી છે.

 

પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે, ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને તે દુનિયાથી કપાઈ ગયા છે. બીમાર લોકોને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બન્યા છે અને ખાણી-પીણીની વસ્તુઓની અછત વર્તાવા લાગી છે. વર્ષ ૨૦૧૮માં ગુલમર્ગમાં થયેલા હિમસ્ખલનમાં અનેક સૈનિકોના મોત થયા હતા, તેવી ઘટનાઓનો ભય હજુ પણ લોકોના મનમાં છે. 

 

સરકારી તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બધું નિયંત્રણમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના અનેક હાઈવે અને લિંક રોડ પરથી બરફ હટાવવાની કામગીરી હજુ પૂરી થઈ નથી અને ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. આમ, કુદરતની આ મહેરબાની કોઈના માટે મોજ છે તો કોઈના માટે મોટી સજા સમાન બની રહી છે.

 

(6:22 PM IST)