News of Sunday, 25th January 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: "ખેડૂતો આપણા અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ છે"
વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠ અને આદિવાસી ઉત્કર્ષનો ઉલ્લેખ: લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા અને કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવા પર રાષ્ટ્રપતિએ મૂક્યો વિશેષ ભાર

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધન કરતા ભારતીય લોકશાહીની ભવ્યતા અને એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. વર્ષ ૨૦૨૨માં પદ સંભાળ્યા બાદ આ તેમનું ચોથું સંબોધન હતું, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત આજે જે આત્મનિર્ભરતાનો આનંદ માણી રહ્યું છે, તેનો શ્રેય આપણા મહેનતુ ખેડૂતોને જાય છે. રાષ્ટ્રપતિએ ખેડૂતોને સમાજ અને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કહ્યું કે, પેઢીઓથી ચાલતી તેમની મહેનતને કારણે જ આજે ભારત માત્ર અનાજમાં સ્વાવલંબી નથી, પરંતુ વિશ્વને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા સક્ષમ બન્યું છે. તેમણે 'પીએમ કિસાન સન્માન નિધિ' જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી ખેડૂતોના સન્માનની વાત કરી હતી.
સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક એવા ગીત 'વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠનો પણ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ ૧૯4૭ના રોજ આપણે આપણા ભાગ્યના શિલ્પી બન્યા હતા અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવેલું બંધારણ આપણને ન્યાય, સમાનતા અને બંધુત્વના આદર્શો તરફ દોરી રહ્યું છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય એકતાની ભાવનાને જીવંત રાખવી એ દરેક નાગરિકનું કર્તવ્ય છે અને ભારત માતાના દિવ્ય સ્વરૂપનું સન્માન કરવું એ જ સાચો રાષ્ટ્રવાદ છે.
આદિવાસી સમુદાય અને શિક્ષણ ક્ષેત્ર વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ ગૌરવ વ્યક્ત કર્યું કે એકલવ્ય મોડેલ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. 'ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન' દ્વારા છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચી રહ્યો છે. સિકલ સેલ એનિમિયા નાબૂદી જેવા આરોગ્ય મિશનો દ્વારા આદિવાસી સમુદાયોની પરંપરાઓ અને આધુનિક ચિકિત્સા વચ્ચેનો સેતુ બંધાઈ રહ્યો છે. અંતમાં તેમણે યુવા પેઢીને બંધારણીય આદર્શોને અનુસરી દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
